બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલેશન બાદ બંધ
5 વર્ષથી બંધ છે બાયોગેસ પ્લાન્ટ
કરોડો ખર્ચ છતાં પરિણામ શૂન્ય
અધિકારીઓની અણઆવડતનું પરિણામ
વિપક્ષના સત્તાપક્ષ સામે ગંભીર આક્ષેપ
જૂનાગઢમાં પાંચ વર્ષ પહેલા ભીના કચરામાંથી ગેસ બનાવવા માટેનો મનપા દ્વારા પ્રથમ બાયોગેસ પ્લાન્ટ પાંચ કરોડના ખર્ચે ઉભો કરવામાં આવ્યો હતો. પરંતુ પાંચ વર્ષ વીતી ગયા છતાં આજ દિવસ સુધી એક કિલો ગેસ પણ ઉત્પન્ન થયો નથી.જેના કારણે રોષ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ અંદાજિત રૂપિયા પાંચ કરોડના ખર્ચે બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો,અને આ પ્લાન્ટ ડમ્પિંગ સ્ટેશન ખાતે સ્થપાયો હતો. કચરામાંથી મિથેન ગેસ ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ ઇન્સ્ટોલેશન બાદથી જ બંધ હાલતમાં રહ્યો છે.
મનપાના વિપક્ષનો આક્ષેપ છે કે મહાનગરપાલિકાના અધિકારીઓની અણઆવડત અને ટેકનિકલ સ્ટાફના અભાવને કારણે આટલો મોટો ખર્ચ વ્યર્થ ગયો છે. વિપક્ષના લલિત પરસાણા ગંભીર આક્ષેપ સાથે કહે છે કે, પાંચ વર્ષ પહેલાં પોણા પાંચ કરોડના ખર્ચે ઉભો કરાયેલો આ પ્લાન્ટ, આજદિન સુધી એક કિલો ગેસ પણ ઉત્પન્ન કરી શક્યો નથી. પ્લાન્ટ માટે વપરાયેલ સાધનો હવે સડી ગયા છે, મેન્ટેનન્સ પર પણ લાખો રૂપિયા ખર્ચાયા છે, છતાં પરિણામ શૂન્ય છે. આ માત્ર નાણાંનો બગાડ નથી, પરંતુ શહેરની જનતાને થનાર ફાયદાનો પણ નાશ છે.
મનપાના વિપક્ષ નેતાના આક્ષેપ બાદ સત્તાપક્ષ તરફથી દલીલ કરવામાં આવી રહી છે કે શહેરમાંથી પૂરતો ભીનો કચરો મળતો નથી અને પેસો ઓર્ગેનાઈઝેશનના સર્ટિફિકેટના અભાવે પ્લાન્ટ બંધ છે. જોકે આવતા બે થી અઢી મહિનામાં પ્લાન્ટ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી રહી છે.