રાજયમાં ગ્રામ પંચાયતની ચુંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે હવે ચુંટણીમાં ગ્લેમર પર ઉમેરાયું છે. શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે મોડલિંગ કરી ચુકેલી એશ્રા પટેલે છોટાઉદેપુરના કાવીઠા ગામની ચુંટણીમાં સરપંચ માટે ઝંપલાવ્યું છે.
છોટાઉદેપુર જિલ્લામાં પંચાયતની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે મુંબઈની એક સ્વરૂપવાન મોડલે પણ વતનમાં સરપંચપદ માટે ઝંપલાવ્યું છે. સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં પહેલીવાર સરપંચપદ માટેની બેઠક મહિલા (સામાન્ય) આવી છે. સરપંચ પદ માટે ગામમાંથી ચાર મહિલાઓએ ઉમેદવારી નોંધાવી છે પણ સૌથી વધારે ચર્ચા એશ્રા ઉર્ફે નીપા પટેલની છે.. તે વર્ષોથી મુંબઇ ખાતે રહી મોડલિંગ કરી રહી છે. તેણે પોન્ડસ, પેન્ટીન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ જેવી લગભગ 100 કરતાં પણ વધારે જાણીતી બ્રાન્ડ્સને પ્રમોટ કરી છે.
તેણે શાહરુખ ખાન સાથે ફેર એન્ડ હેન્ડસમ અને અમિતાભ બચ્ચન સાથે કેન્સર અવેરનેસ માટે મોડેલિંગ કર્યું છે. માયાનગરી મુંબઇથી દુર એશ્રા હવે જીવનની નવી ઇનિંગ્સની શરૂઆત કરવા જઇ રહી છે. તેણે પોતાના વતન કાવીઠાને આગળ લાવવા માટે ચુંટણી લડવાનો નિર્ધાર કર્યો છે. તેણે જણાવ્યું હતું કે હું દુનિયાના ઘણા દેશમાં ફરી છું. ડેવલપમેન્ટ દુનિયાભરમાં છે તો મારા ગામમાં કેમ નહિ ? એટલે મને થયું કે મારે કાંઈક કરવું જોઈએ. નોંધનીય છે કે એશ્રાના પિતા નરહરિ પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ બોડેલી તાલુકા પંચાયતના સભ્ય અને એપીએમસીના પણ ચેરમેન રહી ચૂક્યા છે. જ્યારે તેમનાં માતા મીનાક્ષીબેન એક ગૃહિણી છે.