/connect-gujarat/media/post_banners/fd93bf84c6a82005ccd7c76ab1e161880ebfa80e4e9789860a607912b167c0bd.jpg)
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવટા ગામે આવેલી 90 વર્ષ જૂની પ્રાથમિક શાળાના ઓરડા હાલ અતિ જર્જરીત હાલતમાં આવી ગયા છે, ત્યારે ઓરડામાં ટપકતા વરસાદી પાણી વચ્ચે બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
આ છે, છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું છેવાડાનું ગામ પરવટા, જ્યાં 1થી 5 ધોરણની પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં 35 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને 2 શિક્ષકો ફરજ બજાવે છે. આ શાળામાં 3 ઓરડા છે, અને તે હાલ અત્યંત જર્જરિત અવસ્થામાં આવી ગયા છે. આ ઓરડામાં પંખો પણ લગાવી શકાય તેમ નથી, ત્યારે હવે ચોમાસાના સમયમાં પણ આ ઓરડામાં વરસાદી પાણી ટપકતું રહે છે. એટલું જ નહીં, કેટલાક બાળકોને શાળાએ પહોંચવા માટે સારો રસ્તો પણ નથી. અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી યોગ્ય કામગીરી કરવામાં આવી નથી, ત્યારે જીવના જોખમે શાળામાં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
તો બીજી તરફ, પરવટા પ્રાથમિક શાળાના આચાર્યએ જણાવ્યુ હતું કે, શાળા અત્યંત જર્જરિત હોવાથી અમે બાળકોને જીવના જોખમે અભ્યાસ કરાવીએ છીએ. આ મામલે જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યને પણ રજૂઆત કરી છે. ગુજરાત સરકાર ઠેર ઠેર વિકાસની વાતો કરે છે, પરંતુ સારી શાળાનું નિર્માણ કરવામાં આવતું નથી. જોકે, હવે નાના બાળકોની ચિંતા કરી વહેલી તકે તંત્ર દ્વારા શાળાનું નવું મકાન મંજૂર કરાવવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.