Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર : લોઢણ ગામના લોકોએ તંત્રને શીખવાડયો સબક, જાતે જ બનાવી નાંખ્યો રસ્તો

છોટાઉદેપુરના અંતરિયાળ લોઢણ ગામના લોકોએ તંત્રના ગાલે સણસણતો તમાચો માર્યો છે. જુઓ શું છે આખી ઘટના

X

ગુજરાતમાં વિકાસના દાવાઓ ભલે કરવામાં આવતાં હોય પણ હજી કેટલાય ગામડાઓ વિકાસથી વંચિત છે. આવું જ એક ગામ એટલે છોટાઉદેપુર જિલ્લામાં આવેલું લોઢણ ગામ. હવે વાત કરીશું ગામની સમસ્યા વિશે, લોઢણ ગામ પાસેથી સુખી ડેમની માઇનોર કેનાલ પસાર થાય છે. કેનાલના નિર્માણ માટે 35 વર્ષ પહેલાં રસ્તો બનાવવામાં આવ્યો હતો. આ રસ્તા પરથી ગામલોકો અને સિંચાઇ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ અવરજવર કરતાં હતાં. આ રસ્તાની નિયમિત જાળવણી નહિ થતાં રસ્તો ખખડધજ બની ગયો છે.

લોઢણ ગામના લોકોને મુખ્યમાર્ગ સુધીનું એક કીમીનું અંતર કાપવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. ગામમાંથી શાળાએ જતા બાળકોની સ્થિતિ પણ દયનીય બની છે. ગામની સામેની તરફ ખેતરો ધરાવતાં ખેડુતો પણ મુશ્કેલીઓ વેઠી રહયાં છે. રસ્તાના રીપેરીંગ માટે ગામલોકોએ વારંવાર તંત્રને રજુઆત કરી છે પણ તંત્રના બહેરા કાને તેમની રજુઆત સંભળાતી જ નથી. લોઢણ ગામના લોકોએ મનોમન તંત્રને સબક શીખવાડવાનું નકકી કર્યું.. બસ પછી તો ગામલોકો તગારા અને પાવડા લઇને નીકળી પડયાં અને જાતે જ રસ્તો બનાવવાનું શરૂ કરી દીધું....

મહત્વની વાત તો એ છે કે આ કાર્યમાં વૃધ્ધો, મહિલાઓ અને બાળકો પણ જોડાયાં.. રસ્તો બનાવવા માટે ગ્રીટ અને પાઇપની જરૂર હતી. ગામલોકોએ તંત્રની સામે હાથ લંબાવવાના બદલે ગામમાંથી જ ફાળો ઉઘરાવ્યો.. છેલ્લા 20 દિવસથી ગામમાં રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી છે.

ગામલોકોએ જાતે રસ્તો બનાવીને તંત્રને સબક શીખવાડયો છે. ગાલે સણસણતો તમાચો ખાધા બાદ તંત્ર હવે લોઢણ ગામના લોકોને પાકો રસ્તો બનાવી આપે તો કદાચ લોકોની સાચી સેવા કરેલી ગણાશે.

Next Story