છોટાઉદેપુર જિલ્લામાં થોડા દિવસો પહેલા આદિવાસી વિસ્તારમાં પ્રેમી પંખીડાને માર મારતો વિડિઓ વાયરલ થયો હતો તે બાબતે તેમાં સામેલ 9 આરોપીની રંગપુર પોલીસે ધરપકડ કરી છે. મહત્વનુ છે કે, એક વર્ષમાં આવા તાલિબાની સજા વાળા ત્રણ કેસ નોંધાયા છે.
છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચીલીયાવાટ ગામે પ્રેમી યુગલ યુવક યુવતીને વૃક્ષ સાથે બાંધી ત્રણ વ્યક્તિઓ દ્વારા લાકડીથી માર મારતો વિડીયો વાયરલ થયો હતો. આ અંગેની પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પ્રેમી યુગલ એક બીજાના પ્રેમમાં હતા. જેઓ ઘરેથી નાસી છૂટ્યા હતા. યુવક પોતાના બનેવીને ત્યાં યુવતીને લઈ રોકાયો હતો. ત્યાંથી ગ્રામજનો દ્વારા યુવક યુવતીને પકડી લાવ્યા હતા અને ગામમાં લાવીને વૃક્ષ સાથે બાંધી બંન્ને પ્રેમીઓને લાકડીના ફટકા મારી અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રેમી પંખીડાને તાલિબાની સજા ફટકારતો વિડિઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જેને લઈને પોલીસ એક્શનમાં આવી હતી અને ફરિયાદીના આધારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે 9 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મહત્વનુ છે કે, એક વર્ષમાં આવા તાલિબાની સજા વાળા ત્રણ કેસ નોંધાયા છે. આદિવાસી વિસ્તારમાં જુદા જુદા સમાજમાં આવી ઘટના બને છે તેથી સમાજને જાગૃત નાગરિકો દ્વારા લોકોને કાયદાની સમજ આપવી જરૂરી છે. 21મી સદીમાં પણ આદિવાસી લોકો અત્યાચારનો ભોગ બને છે તેને અટકાવવું ખૂબ જરૂરી છે.