વેરાવળમાં ગોકળગતિએ ચાલતી રસ્તાની કામગીરી
કામગીરીને પગલે નાગરિકોને પડી રહી છે મુશ્કેલી
તંત્ર પાસે આયોજનનો અભાવ હોવાના આક્ષેપ
ઉડતી ધૂળ અને ટ્રાફિકથી લોકો પરેશાન
વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા માટેની લોકમાંગ ઉઠી
ગીર સોમનાથના વેરાવળ શહેરમાં ગોકળગતિએ ચાલતી રસ્તાની કામગીરીને પગલે નાગરિકો હેરાન પરેશાન થઇ ગયા છે,અને તંત્ર દ્વારા આયોજન વગર કામગીરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ લોકો કરી રહ્યા છે.
ગીર સોમનાથના વેરાવળ શહેરમાં તંત્રના પાપે વિકાસની મંદગતિએ પ્રજાજનોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.સામાજિક કાર્યકર અનિષ રાચ્છે તંત્રની બેદરકારી પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે શહેરના મુખ્ય માર્ગ પર ધીમી ગતિએ ચાલતા કામને કારણે નાગરિકો, વાહનચાલકો અને વ્યવસાયિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તંત્ર દ્વારા યોગ્ય આયોજન વગર કામ શરૂ કરવામાં આવ્યું છે, જેના પરિણામે આજે આખા શહેરને મુશ્કેલી વેઠવી પડી રહી છે.
પાલિકા તંત્રના મ્યુનિસિપલ એન્જિનિયર ભગીરથ પઢીયારે કાર્યમાં થતા વિલંબ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, વેરાવળ–જૂનાગઢ રોડના નવીનીકરણ દરમિયાન PGVCL દ્વારા 66 KVના અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામ શરૂ થયું છે. આ સાથે ભૂગર્ભ ગટર લાઇનમાં ગંભીર બ્લોકેજ મળી આવતાં તેની સુધારણા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. રોડ બની ગયા બાદ ફરી ખોદકામ ન કરવું પડે તે હેતુથી બંને વિભાગનું કામ પહેલાં પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.