CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા સુરેન્દ્રનગર ખાતેથી રૂ.૧૫૮૪.૦૮ કરોડના કુલ ૧૩૧ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ઉદઘોષણા કરાયા

New Update
CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા સુરેન્દ્રનગર ખાતેથી રૂ.૧૫૮૪.૦૮ કરોડના કુલ ૧૩૧ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ઉદઘોષણા કરાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સુરેન્દ્રનગર ખાતે રૂ.૧૫૮૪.૦૮ કરોડના કુલ ૧૩૧ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ઉદઘોષણાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ત્રિમંદિર, સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ સુજલામ સુફલામ્ જળ અભિયાન-૨૦૨૪નો રાજ્યવ્યાપી શુભારંભ પણ કરાવ્યો હતો.

આ તકે સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સુરેન્દ્રનગર માટે આજે સોનેરી સૂરજ ઊગ્યો છે. કેટલાય વર્ષોના તપ બાદ આજે સૌથી મોટી સમસ્યાનો અંત લાવી શક્યા છીએ તેમ કહેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ, અન્નદાતા, યુવાવર્ગ અને નારી શક્તિની તાકાતથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશા આપી છે. ત્યારે વિકસિત ગુજરાતનું નિર્માણ પણ આ ચાર વર્ગોના વિકાસને પ્રાથમિકતા આપીને કરવામાં આવી રહ્યું છે. આજે ઝાલાવાડની ધરતી પરથી નારીશક્તિ અને અન્નદાતાને જળશકિત પ્રદાન કરીને સશક્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. નરેન્દ્રભાઇ મોદીની સરકારનું શાસન એટલે વિકાસની ગેરંટી અને તેમની ગેરંટીને પૂર્ણ કરવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે.

પાણીને વિકાસની પ્રાથમિક જરૂરિયાત ગણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, અન્નદાતા અને માતાઓ માટે રોજિંદા જીવનમાં પાણી પહેલી આવશ્યકતા છે. જળ શક્તિનું આ મહત્વ સમજી વડાપ્રધાનએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ચોમાસું આવે તે પહેલાં જ ચેક ડેમો ઊંડા કરવા, તળાવો, નદીઓ પુનઃજીવિત કરવાના દૂરંદેશી આયોજનના પરિપાક સમી સુજલામ સુફલામ્ યોજનાની ભેટ આપી હતી. આ અભિયાનથી જળ સંગ્રહ ક્ષેત્રે બદલાયેલા પરિદ્રશ્ય વિશે વાત કરતા તેમણે કહ્યું કે છેલ્લા ૬ વર્ષમાં ૧૦,૭૦૦ મિલિયન ક્યુબિક જેટલી જળસંગ્રહ ક્ષમતા વધી છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૧૫૬ કામો થકી ૬૪ લાખ ઘન મીટર જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. સુજલામ સુફલામ યોજના સાથે મનરેગા યોજનાને જોડીને જળસંગ્રહ ક્ષમતા વધારવા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીનું પણ સર્જન થયું છે. આ અંતર્ગત થયેલા ૯૮ હજાર કામોથી ૧ કરોડ ૯૨ લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થઈ છે. વડાપ્રધાનની દૂરંદેશીને કારણે ‘એક પંથ અને દો કાજ’ માફક શ્રમિકોને પરિશ્રમનું મહેનતાણું મળી રહ્યું છે અને જળસંચયનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે.

સૌની યોજના અંતર્ગત રૂ. ૪૭૯.૬૦ કરોડના ખર્ચે સુરેન્દ્રનગર જિલ્લાના ૪૫ અને મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ૧૧ ગામોના તળાવોમાં નર્મદાના પાણી પહોંચાડવામાં આવશે તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે ખેડૂતોને ખુશહાલ કરનારી ‘સૌની’ યોજના પ્રધાનમંત્રીશ્રીની આગવી દુરંદેશીનું પરિણામ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદાના વહી જતાં પાણીને સૌરાષ્ટ્ર તરફ વાળીને ખેડૂતોની જિંદગી બદલી છે.

દૂધરેજ - માલવણ - પાટડી - બેચરાજી હાઈવેના રૂ. ૪૩૦ કરોડના ખર્ચે ફોરલેનિંગ, રૂ. ૭૦ કરોડના ખર્ચે ગણપતિ ફાટસર ખાતે રેલવે ઓવરબ્રિજના નિર્માણ સહિત જિલ્લાની આંતરમાળખાકિય સુવિધાઓમાં વધારો કરતા વિકાસ કામોની વિગત આપતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર કહેવાતા સુરેન્દ્રનગરના વ્યુહાત્મક સ્થાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે જિલ્લામાં રોડ-રસ્તા, રેલવે બ્રિજ અને પુલોના નિર્માણ અને વિકાસ થકી જિલ્લાનું આગવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું આયોજન કર્યું છે. પ્રદેશના વિકાસમાં રેલ્વે આંતર માળખાકીય સુવિધાનું મહત્વ સમજતા સરકારે સૌરાષ્ટ્રની સંપૂર્ણ રેલ્વે લાઈન પાછલા દસ જ વર્ષમાં ડબલ ટ્રેક કરી નાખવા સાથે તેનું ઈલેક્ટ્રીફીકેશન કર્યું છે.



વડાપ્રધાનના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કાર્યાન્વિત થયેલી વિવિધ યોજનાઓના સુરેન્દ્રનગર જિલ્લામાં મળેલા લાભ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ૧.૩૫ લાખ પરિવારોને ઉજ્વલા યોજનાથી નિ:શુલ્ક ગેસ કનેક્શન, ૨૬ હજાર પરિવારોને પીએમ આવાસ યોજના અંતર્ગત પાકા મકાન, ૭ લાખ લોકોને વિનામૂલ્યે સારવારની ગેરંટી આપતા આયુષ્યમાન કાર્ડના લાભ મળ્યા છે. સુરેન્દ્રનગરને પાછલા વર્ષોમાં મળેલી વટેશ્વર વન, નવી આઈ.ટી.આઈ., નવા બસ સ્ટેશન સહિતના વિકાસ પ્રકલ્પો તેમજ આજે લોકાર્પણ ખાતમુહૂર્ત અને જાહેરાત કરાઈ છે તેવા રૂ. ૧૫૮૪ કરોડના કામો સુરેન્દ્રનગરને વિકસિત નગર બનાવવાની સરકારનાં નિર્ધારનું પરિણામ છે. વડાપ્રધાનએ આપેલો ‘વિકસિત ભારત’નો કોલ ‘વિકસિત સુરેન્દ્રનગર અને વિકસિત ગુજરાત’ના નિર્માણ થકી પૂરો કરવાનો છે તેવો વિશ્વાસ આ તકે મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, સરકાર ગ્રામ્ય સ્તરે આરોગ્યની ઉત્કૃષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે. આરોગ્ય સુવિધાઓના વિવિધ વિકાસકામોની વિગતો આપતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું કે લીંબડી તાલુકાના નાની કઠેચી ગામે રૂ.૧.૬૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી આજુબાજુના ૬ ગામોના ૨૦ હજારથી વધુ લોકોને તેનો લાભ મળશે. સાયલા તાલુકાના સુદામડા CHC ખાતે રૂ. ૨.૮૮ કરોડના ખર્ચે સ્ટાફ ક્વાર્ટરનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત રૂ.૨.૪૨ કરોડના ખર્ચે ખારાઘોડા, કંથારીયા, પાણશીણા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને રૂ. ૧૬.૮૭ લાખના ખર્ચે સાયલા તાલુકાના થોરીયાળી ગામે મોબાઈલ હેલ્થ યુનિટ વાનના લોકાર્પણથી જિલ્લાના ૭૫ હજાર કરતા વધારે લોકોને ફાયદો થશે.

સુરેન્દ્રનગર ખાતે આકાર પામનાર આયુર્વેદ કોલેજ વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું કે, સરકારી આયુર્વેદ કોલેજની ભેટ સુરેન્દ્રનગરવાસીઓ માટે ખૂબ લાભદાયી સાબિત થશે. ઉત્તમ સારવાર સાથે જિલ્લાના વિદ્યાર્થીઓ સાવ સામાન્ય ફીમાં અભ્યાસ કરીને ડોક્ટર બનશે. રતનપર ખાતે પાંચ એકર જેટલા વિસ્તારમાં આકાર લેનાર કેન્દ્રીય વિદ્યાલય પણ જિલ્લાના શિક્ષણ ક્ષેત્ર માટે અતિ અગત્યની પુરવાર થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રીશ્રીની આગેવાની હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં જળસંપત્તી અને પાણી પુરવઠા વિભાગની લોક કલ્યાણકારી યોજનાઓ સાકાર થવા જઈ રહી છે, જે જિલ્લાવાસીઓ માટે હર્ષની વાત છે. સૌની યોજનાના વિવિધ ઘટકો વિશે વિગતવાર માહિતી આપતા મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના દૂરંદેશીભર્યા દ્રષ્ટિકોણ થકી આકાર પામેલી ‘સૌની’યોજના દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ સુધી પાણી પહોંચાડી શકાયું છે. ઝાલાવાડની એક સમયે સૂકી ધરાને લીલીછમ કરવાનું કાર્ય સૌની યોજના થકી શક્ય બન્યું છે.

આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, લીંબડી ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણા, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, સુરસાગર ડેરી ચેરમેન બાબાભાઈ ભરવાડ, ખેતી બેંક ચેરમેન મંગળસિંહ પરમાર, ડિસ્ટ્રિકટ બેંક ચેરમેન હરદેવસિંહ પરમાર, પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજા, પૂર્વ સાંસદશ્રી શંકરભાઈ વેગડ, પૂર્વ ધારાસભ્ય સર્વ ધનજીભાઈ પટેલ, વર્ષાબેન દોશી, અગ્રણી સર્વ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ચંદ્રશેખરભાઈ દવે, મહેન્દ્રભાઇ પટેલ, જયેશભાઈ પટેલ, હાર્દિકભાઈ ટમાલીયા, દુધઈ મહંતશ્રી રામબાલકદાસ બાપુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક ગિરીશ પંડ્યા, સ્પોર્ટસ યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર અર્જુનસિંહ રાણા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories