Connect Gujarat
ગુજરાત

વડનગરમાં તાના-રીરી મહોત્સવનો પ્રારંભ,CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

વડનગરમાં તાના-રીરી મહોત્સવનો પ્રારંભ,CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
X

મુખ્યમંત્રીના હસ્તે વર્ષ 2022નો તાના રીરી સન્માન એવોર્ડ કંકણા બેનરજી અને ગુજરાતના મોનિકા શાહ અને વર્ષ 2023નો એવોર્ડ આરતી અંકલિકરને આપવામાં આવ્યો હતો.

રાજ્યભરમાંથી તાના-રીરી મહોત્સવમાં પધારેલા સૌ કલા સાધકો, કલા રસિકો અને વડનગરવાસીઓને નૂતન વર્ષની શુભકાનાઓ પાઠવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાતના પનોતાપુત્ર અને સમગ્ર વિશ્વનું ગૌરવ એવા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની આ ઐતિહાસિક ભૂમિમાં તાના-રીરી મહોત્સવ પ્રસંગે આવવાનું મને આજે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. વડનગરમાં ભારતીય સાંસ્કૃતિક ધરોહરનો હજારથી વધુ વર્ષથી સચવાયેલો, સંવર્ધિત થયેલો ઇતિહાસ છે. વડનગરની આ ધરતીમાં જ કંઈ એવું સત્વ અને તત્વ ધરબાઈને પડ્યું છે કે, પુરાતન કાળથી જ સમર્પણ ભાવ અને સેવા સાધનાની પરાકાષ્ઠા અહીં વિકસી છે. તાનારીરી જેવી મહાન કળાધારીણી બહેનોએ મલ્હાર રાગ ગાઇને પોતાના જ્ઞાન સામર્થ્યથી મેઘ વરસાવ્યો અને તાનસેનની દાહ શાંત પાડી હતી, તેવું કહી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ જ વડનગરના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિકાસ માટેની આગવી સમર્પિતતાથી અને જનસેવાના સામર્થ્યથી દુનિયાભરમાં ગુજરાતને વિકાસના રોલ મોડેલ તરીકે પ્રસ્તુત કર્યું છે. વડનગરની આ ધરતી તાનારીરીથી લઈને નરેન્દ્ર મોદીના આવા આગવા સમર્પણ, ત્યાગ, તપસ્યા અને વતન પ્રેમની પરાકાષ્ઠાની સાક્ષી રહી છે. આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગના કમિશનર આલોકકુમાર પાંડેએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે આમંત્રિત મહાનુભાવો, કલાકારો અને સ્થાનિક નાગરિકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી મુળુ બેરા, મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ, ઊંઝાના ધારાસભ્ય કે.કે.પટેલ, ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી રજની પટેલ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, મહેસાણા જિલ્લા કલેકટર એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડા એચ.એલ. ત્યાગી, જાણીતા કલાકાર અનુપમા ભાગવત અને વિદુષી વર્મા સહિત આમંત્રિત મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Next Story