હાલોલ નગરપાલિકા દ્વારા કાર્યવાહી
શાકમાર્કેટમાં દબાણ હટાવવાની કાર્યવાહી
શાકભાજી અને ફ્રૂટની લારીઓ હટાવવામાં આવી
લારી ધારોકોની પાલિકાતંત્ર સાથે ઉગ્ર બોલાચાલી
પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી પૂર્ણ કરાઈ
પંચમહાલ જિલ્લાના હાલોલ નગરપાલિકા દ્વારા શાકમાર્કેટમાં શાકભાજી અને ફ્રૂટની લારીઓના દબાણ પર તવાઈ બોલાવવામાં આવી હતી,આ કાર્યવાહી સામે વિવાદ સર્જાતા પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવામાં આવ્યા હતા.
પંચમહાલ જિલ્લાના હાલોલ નગરપાલિકા દ્વારા શાકમાર્કેટ વિસ્તારમાં શાકભાજી અને ફ્રૂટની લારીઓના દબાણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની સ્પષ્ટ સૂચના મુજબ, આરોગ્ય વિભાગની ટીમે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
છેલ્લા કેટલાક સમયથી શાકમાર્કેટ વિસ્તારમાં જાહેર રસ્તાઓ પર લારીઓ ઊભી રાખી દબાણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત, જાહેર સ્થળોએ કચરો ફેંકવો, ગંદકી ફેલાવવી અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ખુલ્લેઆમ ઉપયોગ થતો હોવાની ફરિયાદો મળી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ કાર્યવાહી કરી હતી.
કાર્યવાહી દરમિયાન કેટલાક લારી ચાલકોએ નગરપાલિકાની ટીમનો વિરોધ કર્યો હતો. લારી ચાલકો ઉશ્કેરાઈ ગયા હતા અને નગરપાલિકાની ટીમ સાથે ઉગ્ર બોલાચાલી તથા ઘર્ષણ થયું હતું. કેટલાક લારી ચાલકો દ્વારા કામગીરીમાં અવરોધ ઊભો કરવામાં આવતા શાકમાર્કેટ વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી.
પરિસ્થિતિને કાબૂમાં લેવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસ બંદોબસ્ત સાથે દબાણયુક્ત લારીઓ હટાવવામાં આવી હતી, તેમજ દબાણ દૂર કરવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.