/connect-gujarat/media/media_files/2025/01/30/JqQ5aJuOiZlZGEaYQglB.jpg)
રાજકોટ રાજમોતી ઓઈલ મિલના અમદાવાદ સ્થિત બ્રાન્ચના મેનેજર દિનેશ દક્ષિણીની હત્યા કેસમાં મુખ્ય આરોપી સમીર શાહ સહિત 3 આરોપીઓને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
ફેબ્રુઆરી 2016માં રાજમોતી ઓઈલ મિલના સંચાલક દ્વારા અમદાવાદ સ્થિત બ્રાન્ચના મેનેજર દિનેશ દક્ષિણી ઉચાપત કરતા હોવાની શંકા આધારે રાજકોટ રાજમોતી ઓઈલ મિલના મેનેજર સમીર ગાંધી અને ડ્રાઇવર ક્રિપાલસિંહ ચુડાસમાને મોકલી તેની પાસે એક ચિઠી લખાવી રાજકોટ લાવવામાં આવેલ હતા ત્યારબાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અંતર્ગત આવતી બેડીપરા પોલીસ ચોકી લાવી પોલીસને હવાલો સોંપવામાં આવ્યો હતો.
દરમિયાન ASI યોગેશ ભટ્ટ દ્વારા દિનેશ દક્ષિણી પાસેથી રૂપિયા કઢાવવા માટે માર મારવામાં આવ્યો હતો,જેથી તેનું મોત થઇ જતા તેને છોટા હાથી વાહનમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.જે બાદ ફરિયાદ નોંધવામાં આવતા ચકચારી હત્યા કેસમાં કોર્ટ દ્વારા સમીર ગાંધીને સાક્ષી બનાવવામાં આવ્યા હતા અને જરૂરી પુરાવાઓ અને સાક્ષીના નિવેદનો આધારે આજરોજ કેસમાં સુનાવણી થતા નામદાર સેશન્સ કોર્ટ દ્વારા રાજમોતી ઓઈલ મિલના માલિક સમીર શાહ, ડ્રાઇવર ક્રિપાલસિંહ ચુડાસમા, અને ASI યોગેશ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
આ કેસમાં સમીર શાહ અને ક્રિપાલસિંહ ચુડાસમા જામીન પર હોવાથી પોલીસે તેની કસ્ટડી મેળવી જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે જયારે ASI યોગેશ ભટ્ટ અગાઉથી જ હાલ જેલમાં બંધ છે.