ખાનગી શાળાઓમાં પોતાના બાળકને ભણાવવા માટેની હોડ વચ્ચે દાહોદના DDO ઉત્સવ ગૌતમએ પોતાના બાળકને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી લોકોને સરકારી આંગણવાડીનો લાભ લેવા અપીલ કરી છે.
સામાન્ય રીતે કોઈપણ અધિકારી હોય કે, કર્મચારી કે સામાન્ય નાગરિક આજના જમાનામાં પોતાના બાળકના અભ્યાસ માટે મોંઘી ફી ભરી ખાનગી શાળાઓ અથવા પ્લે-સેન્ટરમાં પ્રવેશ અપાવતા હોય છે. પરંતુ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમએ પોતાના દીકરા માધવનને દાહોદની છાપરી સ્થિત 6 નંબરની આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો હતો. પોતાની ઓફિસ જતાં પહેલા DDO બાળકને લઈ આંગણવાડી કેન્દ્ર ખાતે પહોચ્યા હતા, જ્યાં આંગણવાડી વર્કર દ્વારા બાળકને કુમકુમ તિલક કરી આવકાર આપવામાં આવ્યો હતો. DDO ઉત્સવ ગૌતમનું કહેવું છે કે, સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રો તેમજ પ્રાથમિક શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે, અને દરેક આંગણવાડી કેન્દ્ર પર બાળકોને રમત-ગમત અને શિક્ષણની સાથે પૌષ્ટીક આહારની પણ સગવડ સરકાર દ્વારા કરવામાં આવી છે. તો દરેક નાગરિકે સરકારી આંગણવાડી કે, સરકારી શાળાનો લાભ લેવો જોઈએ. એકબીજાની દેખાદેખીમાં ખાનગી શાળાઓ તરફ દોટ મુકતા વાલીઓને ડીડીઓ ઉત્સવ ગૌતમએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી લોકોને સરકારી લાભ લેવા માટે પણ અપીલ કરી હતી.