દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે ગોળ ગધેડાના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડયું. ઐતિહાસિક મહત્વ ધરાવતા અને પ્રાચીનકાળના સ્વયંવર પ્રથાને ઉજાગર કરતો ગોળ ગધેડાનો મેળો લોકોમાં ઘણો પ્રચલિત છે .પરંપરાગત ચાલતો મેળો આજે પણ પોતાની સંસ્કૃતિ જાળવવામાં સફળ રહયો છે. મેળાની વિશેષતાની વાત કરવામાં આવે તો સીમળાના થડને છોલી એકદમ લીસુ બનાવી જમીનમાં રોપવામાં આવતું હોય છે.
આશરે ૨૫ થી ૩૦ ફૂટ ઉંચા થડની ટોચે ગોળની થેલી લટકાવાય છે. થડની આજુબાજુ આદિવાસી કુંવારીકાઓ હાથમાં નેતરની સોટી લઈ ગોળ ગોળ ફરતી રહે છે. તેઓની પહેરેદારી વચ્ચે નજર ચુકવી યુવાનો થડ ઉપર ચઢવાનો પ્રયત્ન કરતાં હોય છે.. જે યુવાન ઉપર ચઢવામાં સફળ રહે તે યુવાન નીચે ધુમતી યુવતીઓ પૈકી તેને ગમે તે યુવતી સાથે લગ્ન કરતો હતો પણ હવે કલયુગમાં ધીમે ધીમે આ પ્રથામાં બદલાવ આવ્યો છે. હવે આ પ્રથા માત્ર બોલવા અને સાંભળવા જેટલીજ રહી ગઈ છે. આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે લોકો પોતાનો આગવો પહેરવેશ સાથે ઢોલ-નગારા સાથે મેળામાં જોવા મળ્યા હતાં.