-
ઝાલોદમાં વરરાજાની બેકાબુ બની કાર
-
15થી વધુ જાનૈયાઓને લીધા અડફેટમાં
-
અકસ્માતને પગલે લગ્નપ્રસંગમાં નાસભાગ મચી
-
ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
-
અકસ્માત સર્જીને કાર ચાલક કાર છોડીને ફરાર
દાહોદ જિલ્લાના ઝાલોદના રાયપુરા ગામે એક લગ્ન પ્રસંગ દરમિયાન વરરાજાની કાર બેકાબૂ બનતા 15થી વધુ જાનૈયાઓને અડફેટમાં લીધા હતા,સર્જાયેલી ઘટનાને પગલે નાસભાગ મચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રાયપુરા ગામે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહુડીથી જાન લઈને રાયપુરા ગામે આવેલા વરરાજાની કાર બેકાબૂ બની અકસ્માત સર્જ્યો હતો. કાર લગ્ન મંડપમાં જાનૈયા પર ફરી વળતા 15થી વધુ જાનૈયાઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જાયા બાદ ડ્રાઇવર કાર મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી છે. પોલીસે કારના નંબરના આધારે ડ્રાઇવર અને કાર માલિકની શોધખોળ શરૂ કરી છે.પ્રાથમિક તપાસમાં કાર ચાલકની બેદરકારી લીધે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જોકે બીજી તરફ ટેક્નિકલ ખામી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.