/connect-gujarat/media/post_banners/8c181a38126b8cdaca83728d23fa333405d1bbba607918f8ae616df191010c77.jpg)
દાહોદ જિલ્લાના વરમખેડા ગામે લગ્નપ્રસંગે નીકળેલા વરઘોડામાં ડીજેના કંપનથી ભડકી ઊડેલી મધમાખીઓના ઝુંડે જાનૈયાઓ પર હુમલો કરી 22થી વધુ લોકોને ડંખ માર્યા હતા.
દાહોદ જિલ્લામાં લગ્નસરાની મોસમ જામી છે, ત્યારે ઉત્સાહ અને આનંદ સાથે જાનૈયા લગ્ન કરાવવા માટે જઇ રહ્યા છે. કેટલાંક કિસ્સામાં ડીજે પણ સાથે લઇ જવામાં આવી રહ્યા છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ભૂતકાળ જેમ આ વખતે પણ ડીજેના અવાજ અને કંપનથી ભડકેલી મધમાખીઓ ઉડીને જાનૈયા અને રાહદારીઓને ડંખ મારવાનું શરૂ કરી દીધુ છે. તેવામાં ગત શનિવારે સિમલિયાખુર્દથી 12 ગાડી ભરીને ડીજે સાથે વરરાજા વિપીન અમલિયાર પરણવા માટે વરમખેડા આવવા માટે નીકળ્યા હતાં, જ્યાં 2.45 વાગ્યાના અરસામાં જાન વરમખેડા આવી પહોંચી હતી. ગામમાં પ્રવેશ થવા સાથે ડીજે વાગી રહ્યુ હતુ, અને જાનૈયા ઉત્સાહભેર નાચી રહ્યા હતા. જોકે, ડીજેના કંપનના કારણે ભડકેલું મધમાખીઓનું ઝુંડ ઝાડ ઉપરથી ઉડીને જાનૈયાઓ ઉપર તુટી પડ્યુ હતું. જેના કારણે જાનૈયાઓમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. પાછળ પડેલી મધમાખીઓએ મહિલા, પુરૂષ અને બાળકો મળીને 22થી વધુ લોકોને ડંખ માર્યા હતા. જોકે, પરણવા માટે વરરાજાને રવાના કરીને ઘાયલ જાનૈયાઓને સારવાર અર્થે જોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.