Connect Gujarat
ગુજરાત

દાહોદ : કોરોનાકાળમાં છટણી થઈ, તો 500 રત્નકલાકારોએ હાર્યા વિના પોતાનું જ કારખાનું ખોલી દીધું

દાહોદ જિલ્લાના શ્રમજીવી રોજગારી માટે સ્થળાંતર કરતા હોવાથી કુટુંબ પર પણ પૂરતું ધ્યાન આપી શકતા ન હતાં, પરંતુ હવે આ સમય બદલાઈ રહ્યો છે.

X

દાહોદ જિલ્લાના શ્રમજીવી રોજગારી માટે સ્થળાંતર કરતા હોવાથી કુટુંબ પર પણ પૂરતું ધ્યાન આપી શકતા ન હતાં, પરંતુ હવે આ સમય બદલાઈ રહ્યો છે.કોરોનાકાળમાં છટણી થતાં દાહોદ સહિત ગરબાડા અને ફતેપુરામાં પણ હીરા ઘસવાના કારખાના શરૂ થઇ ગયા છે.

આદિવાસી બાહુલ્ય ધરાવતો દાહોદ જિલ્લો સામાન્ય રીતે મજૂરોની ખાણ ગણાય છે . ગુજરાતના છેવાડાના ગામ સુધી દાહોદનો શ્રમજીવી રોજગારી માટે ભટકતો હોય છે . પથ્થર અને પરસેવાની નિકાસ માટે ઓળખાતા આ જિલ્લાના શ્રમજીવી રોજગારી માટે સ્થળાંતર કરતા હોવાથી કુટુંબ પર પણ પૂરતું ધ્યાન આપી શકતા ન હતાં , પરંતુ હવે આ સમય બદલાઈ રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે , કોરોનાકાળમાં છટણી થતાં દાહોદ સહિત ગરબાડા અને ફતેપુરામાં પણ હીરા ઘસવાના કારખાના શરૂ થઇ ગયા છે .

દાહોદમાં આવા જ એક કારખાનાના સંચાલક નરેન્દ્રસિંહ ગોહિલ કહે છે કે, અમે દોઢ વર્ષ પહેલા કામ શરૂ કર્યું હતું અહીંના વિવિધ ગામના રત્ન કલાકારો સુરત વડોદરા અમદાવાદ ભાવનગર બાબરા જેવા ગામોમાં કામ કરતા હતાં, કોરોનાકાળ પછી હવે વિવિધ ગામના 16 કારીગરે મળીને ઘરઆંગણે જ હીરા ઘસવાના કારખાના શરૂ કર્યા છે. દાહોદમાં કારખાનું ચલાવતા નરેન્દ્ર ભાઈ કહે કે , કોરોના મહામારી વખતે કામ છોડી વતન આવી જવું પડ્યું . જેથી અમે અહીં જ કામ ચાલુ કરવાનું વિચારી ફક્ત એક પત્રિકા છપાવી વિતરણ કર્યું.એ રીતે અમે આસપાસના ગામના 20 કારીગર ભેગા કર્યા . 25 મેના રોજ કારખાનું શરૂ કર્યું. અહીં અમે નવા કારીગરો પણ તૈયાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઘરઆંગણે જ હીરા ઘસવાનું કામ કરતાં રત્ન કલાકારો અને અમદાવાદમાં છેલ્લા દસ કે તેથી વધુ સુરત વર્ષથી કામ કરતાં હતા, પરંતુ કોરોનાકાળ બાદ સ્થળાંતર ટાળી તેઓ ઘર આંગણે જ પગભર બની રહ્યાં છે. દાહોદ જિલ્લામાં 500 થી વધુ રત્નકલાકારો છે.

દાહોદની ઘંટીમાં ફરજ બજાવતા લોકો પહેલા અમદાવાદમાં હીરા ઘસતાં હતાં, પરંતુ પરિવારને સાથે રાખવો તેમની મજબૂરી હતી. આ ઉપરાંત બાળકોનો અભ્યાસ અને સામાજિક પ્રસંગો પણ સચવાતા ન હતાં. જેથી લોકોએ ઘરઆંગણે જ કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં અહીં કામ શરૂ કર્યુ હતું. હાલમાં દાહોદ તાલુકાના જ વિવિધ ગામની મહિલાઓ સહિત 16 કારીગરો હીરા ઘસવાનું કામ કરી રહ્યાં છે. કોરોનાકાળમાં તકલીફ પડી હતી. કોઇને રસ હોય તો અમે તેને મહિને 1500 રૂપિયા આપીને કામ શીખવીએ છીયે. દાહોદના કારખાનામાં સુરતથી હીરા આવે છે . સેમી ડિઝાઇનના આ હીરા રાઇના દાણા જેટલા હોય છે. એક હીરો ત્રણ હાથમાંથી પસાર થાય સૌ પ્રથમ તેના તળિયા પર કામ થાય છે. પછી તેની ડિઝાઇન બને છે અને પછી ઉપર કામ થાય છે . કારીગર નંગદીઠ ઝડપ પ્રમાણે પૈસા કમાય છે. ઝડપ હોય તો એક હીરો ઘસવામાં 10 મિનિટ લાગે છે. એક કારીગર તેને મળેલા કામ પ્રમાણે દિવસના 40 થી 100 ઘસે છે.

Next Story