Connect Gujarat
ગુજરાત

દાહોદ : 2018થી અધિકારીઓના નાક નીચે ચાલતું રૂ. 18.59 કરોડનું કૌભાંડ ઝડપાયું, ધમધમતી હતી 6 નકલી કચેરીઓ..!

સરકારી તંત્રમાં ચાલતા લોલમલોલ વહીવટને કારણે પ્રજાના વેરાના કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું

X

બોગસ અધિકારી સામે પોલીસ મથકે નોંધાય ફરિયાદ

અધિકારીઓના નાક નીચે ચાલતું હતું કરોડોનું કૌભાંડ

રૂ. 18.59 ‎કરોડનું કૌભાંડ આચર્યાનો થયો ‎ઘટસ્ફોટ

દાહોદ જિલ્લામાં બોગસ ‎સરકારી કચેરી ઉભી કરવા સાથે ‎સરકારી અધિકારી બનીને ફરતાં ‎એક વ્યક્તિએ વર્ષ 2018થી‎ માંડીને 2023 સુધી વિવિધ ‎પ્રકારના 100 કામોમાં રૂ. 18.59 ‎કરોડનું કૌભાંડ આચર્યાનો ‎ઘટસ્ફોટ થયો છે. સરકારી તંત્રમાં ચાલતા લોલમલોલ વહીવટને કારણે પ્રજાના વેરાના કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં તાજેતરમાં ઝડપાયેલી નકલી કચેરીના કૌભાંડમાંથી બહાર આવવા પામ્યું છે, ત્યારે શુક્રવારે તેના કરતા પણ વધુ મોટી ચોંકાવનારી ઘટના સામે આવી છે.

નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂતે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે તો માત્ર એક જ નકલી કચેરી ઉભી કરી 93 બોગસ કામોના આધારે રૂ. 4.15 કરોડની છેતરપિંડી કરી હતી, પરંતુ આ રેલો દાહોદ પહોંચતા તેણે દાહોદ જિલ્લામાં અડધો ડઝન નકલી કચેરીઓ ઉભી કરી 100 બોગસ કામો દર્શાવી રૂ. 18.59 કરોડ તફડાવી લીધા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ નકલી 6 કચેરીઓ તો વર્ષ 2018થી ધમધમતી હતી. IAS અધિકારીએ તપાસના આદેશ આપતા આખરે આ કૌભાંડ પ્રકાશમાં આવતા દાહોદ એ’ ડિવીઝન પોલીસ મથક ખાતે સંદીપ રાજપૂત વિરૂધ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, તાજેતરમાં છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર કચેરી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં બોડેલી ખાતે ધમધમતી નર્મદા સિંચાઇ નહેર વિભાગની બનાવટી કચેરી ઝડપાઇ હતી. આ બનાવ સંદર્ભે છોટાઉદેપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદની ધરપકડ કરી ઝીણવટભરી તપાસ હાથ ધરતા આ કૌભાંડ દાહોદ જિલ્લામાં પણ આચરવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગતો પ્રકાશમાં આવી હતી.

જેને પગલે દાહોદ જિલ્લાના પ્રાયોજના વહીવટદાર IAS સ્મિત લોઢા દ્વારા કચેરીના અધિકારીઓને તપાસ કરવાનો હુકમ કર્યો હતો, ત્યારે હાલ તો, દાહોદ એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે બોગસ અધિકારી એસ.આર.રાજપૂત વિરુદ્ધ છેતરપિડી, વિશ્વાસઘાત અને ડુપ્લીકેટ અધિકારીનો સ્વાંગ રચવા સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story