બીલીઆંબાના શિક્ષકનું શ્રેષ્ઠ યોગદાન
શાળાના બાળકોને ભારતીય રમત માટે કર્યા તૈયાર
ખો-ખોમાં 87 રાષ્ટ્રીય રમતવીર કર્યા તૈયાર
બે દાયકામાં 1200થી વધુ બાળકોને આપી તાલીમ
17 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા
ડાંગ જિલ્લાના બીલીઆંબા ગામના એક શિક્ષકે વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભાને ઓળખીને શ્રેષ્ઠ રમતવીરો તૈયાર કર્યા છે.અને ભારતીય રમતમાં રાષ્ટ્રીય સ્તરે 87 જેટલા ખેલાડીઓ નિપુણ બન્યા છે.
ડાંગ જિલ્લાના બીલીઆંબા ગામના શિક્ષકે સમર્પિત શિક્ષક હોય તો કેવા ચમત્કારીક પરિવર્તનો આણી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામના શિક્ષક રસિક પટેલે તેમની પ્રતિબદ્ધતા અને ખેલાડીઓના પુરુષાર્થના બળે ખો-ખોની રમતમાં 87 રાષ્ટ્રીય ખેલાડીઓ તૈયાર કર્યા છે.રસિક પટેલ અને વિમલ ગામિતે વર્ષ 2002માં શાળાના બાળકોને ખો-ખો અને કબડ્ડી જેવી ભારતીય રમતોની તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. આજે બે દાયકામાં તેઓ લગભગ 1200થી વધુ બાળકોને તાલીમ આપી ચૂક્યાં છે. આમાંના 17 જેટલા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
શાળાના સમય બાદ આ બંને શિક્ષકો દરરોજ બાળકોને મેદાનમાં રમત માટે જરૂરી ટેકનિક, સ્ફૂર્તિ, શિસ્ત, ટીમ વર્ક વગેરે તાલીમ આપે છે. આ તાલીમ અને રાજ્ય સરકારની સ્કોલરશિપના કારણે અનેક બાળકો રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મેડલ મેળવી રહ્યા છે.
આ શાળાની વિદ્યાર્થીની ઓપીના ભીલારે જાન્યુઆરી, 2025માં ભારતીય મહિલા ખો-ખો ટીમમાં સ્થાન મેળવ્યું હતું. ઓપીનાએ નવી દિલ્હીમાં યોજાયેલા પ્રથમ ખો-ખો વર્લ્ડકપમાં ભાગ લીધો અને જીત પણ મેળવી હતી.