Connect Gujarat
ગુજરાત

નર્મદા : ડિફેન્સ એક્સ્પો-2022ના આયોજન માટે કરાઈ ગુજરાતની પસંદગી, સંરક્ષણ મંત્રાલય સાથે MOU

X

ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર 2 વર્ષે ડિફેન્સ એક્સ્પો યોજવામાં આવે છે, ત્યારે આવતા વર્ષે યોજાનાર આ એક્સ્પો માટે ગુજરાતની યજમાન તરીકે પસંદગી કરવામાં આવી છે. વર્ષ 2022માં 10થી 13 માર્ચ દરમ્યાન સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડકશન વિભાગ દ્વારા આ એક્સ્પોનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં વિશાળ પાયા પર યોજાનારા ડિફેન્સ એક્સપો-2022ના આયોજન અંગે સમીક્ષા બેઠક સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજવામાં આવી હતી. બેઠક દરમ્યાન સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

સીએમ વિજય રૂપાણીએ વિશ્વાસ દર્શાવ્યો હતો કે, જે રીતે ગુજરાત વાયબ્રન્ટ સમિટના સફળ આયોજનથી વિશ્વના નિવેશકો માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે. તે જ પ્રમાણે ડિફેન્સ એક્સપો-2022ના આયોજનથી ડિફેન્સ સેક્ટરમાં પણ દેશમાં સૌથી વધુ રોકાણો મેળવનારૂં રાજ્ય બનશે. આ ડિફેન્સ એક્સપો-2022ના આયોજનમાં રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગ અને સુવિધાઓ અંગેના એમ.ઓ.યુ. સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડક્શન વિભાગના સંયુક્ત સચિવ અને ગુજરાતના ઊદ્યોગ કમિશનરે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કર્યા હતા.

ડિફેન્સ એક્સપો-2022 મેગા ઇન્ટરનેશનલ ડિફેન્સ એક્ઝિબિશેન છે. આ એક્સ્પોમાં ઘણી ઇવેન્ટ, કોન્કલેવ, સેમિનાર, બિઝનેસ એક્ટિવિટીસ યોજાશે. ડિફેન્સ એક્ઝિબેશન, પબ્લિક સેક્ટર યુનિટ ઓફ ડિફેન્સને પ્રમોટ કરવા, ખાનગી સંરક્ષણ ક્ષેત્રને લગતા ઉદ્યોગો-સ્ટાર્ટ અપ તેમજ લઘુઉદ્યોગો સહિત સંરક્ષણ ક્ષેત્રના વિભિન્ન સાધનોનું ડેમોન્સ્ટ્રેશન, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, સેમિનાર અને વેબીનાર સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Next Story
Share it