પાટણ શહેરમાં આવેલી સાગોટાની શેરીમાં રહેતા સ્થાનિકોએ “અશાંત ધારો નહીં, તો વોટ નહીં”ના બેનર લગાવી આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી ચૂકી છે, ત્યારે હવે મતદારો પણ પોતાનો મિજાજ બતાવી રહ્યા છે. પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓને સરકાર અને રાજકીય પક્ષો સમક્ષ તેઓ મુકતા હોય છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ થતું નથી, ત્યારે ચૂંટણી ટાણે જ મતદારો પણ વોટના બદલામાં કામ પુરું કરાવવાની માંગ કરતા હોય છે. મતદારોનો કંઈક આવો જ મિજાજ પાટણ જિલ્લામાં જોવા મળ્યો, જ્યાં કેટલાંક વિસ્તારમાં જાણી જોઈને મકાનો બીજી જાતિના લોકોને આપીને વયમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થતો હોવાની લાંબા સમયથી ફરિયાદો થઈ છે. સાગોટાની શેરીમાં રહેતા રહીશો દ્વારા પોતાના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા છેલ્લા 3 વર્ષથી વહીવટી તંત્ર અને સરકારના મંત્રીઓને લેખિત રજૂઆત કરી છે. જોકે, રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા વિસ્તારના લોકોએ ફરી એકવાર વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે. સાગોટાની પ્રથમ અને બીજી શેરીમાં 500 જેટલા મતદારોએ અશાંત ધારો લાગુ નહીં થાય ત્યાં સુધી કોઈપણ ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો છે. જેમાં “અશાંત ધારો નહીં, તો વોટ નહીં”ના પોસ્ટરો લગાવીને આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.