દ્વારકામાં ઓપરેશન ડિમોલિશન
તંત્રએ દબાણકર્તાઓ પર બોલાવી તવાઈ
હાથી ગેટ પાસેના દબાણો તોડી પાડવામાં આવ્યા
ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરાયા
તંત્રએ 6652 ચો.મી.સરકારી જમીન ખુલ્લી કરાવી
દેવભૂમિ દ્વારકામાં તંત્ર દ્વારા પુનઃ એકવાર દબાણકર્તાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી,અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર બાંધકામોને બુલડોઝર દ્વારા તોડી પાડીને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા બે ધાર્મિક દબાણ સહિત એક ભવનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દ્વારા તંત્રએ કુલ 6652 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવી છે, છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી ચાલી રહી છે.
દ્વારકાના હાથી ગેટની સામે જલારામ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા વિશાળ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. જેમાં એક રામદેવ ભવન, બે ધાર્મિક દબાણ અને દુકાનોનો સમાવેશ થાય છે. આ ઓપરેશનમાં બે જેસીબી અને એક ટ્રક સહિત કુલ ચાર મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
દ્વારકાના પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ પોલીસની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન આ સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર 20થી વધુ પોલીસકર્મીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી દબાણ કરનારા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.