વડિયાના ઢૂંઢિયા પીપળિયા ગામમાં ડબલ મર્ડરની ઘટના
એકલાં રહેતાં વૃદ્ધ દંપતીની હત્યાની ઘટનાથી ચકચાર મચી
માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન પોલીસને જોવા મળ્યા
લૂંટના ઈરાદે બન્નેની હત્યાને અંજામ અપાયો હોવાની આશંકા
ઢૂંઢિયા પીપળિયામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળિયા ગામમાં વૃદ્ધ દંપત્તિની ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ખેડૂત વૃદ્ધ દંપતી ગામમાં એકલાં રહેતા હતા, જ્યાં લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની આશંકા સાથે પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.
મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળિયા ગામમાં રહેતા 75 વર્ષીય ચરુભાઈ રાખોલિયા તેમજ 70 વર્ષીય કુંવરબેન ચરુભાઇ રાખોલિયા એકલા રહેતા હતા, જેમને 3 સંતાન છે, જેમાં 2 પુત્ર સુરત રહે છે, જ્યારે એક પુત્ર રાજકોટમાં રહે છે. પરિવારજનોએ સતત ફોન કરતા હતા. જોકે, તેના માતા-પિતાએ ફોન નહીં ઉઠાવતાં ગામના અન્ય લોકોને જાણ કરી હતી.
આ દરમિયાન ગામલોકો જોવા માટે ઘરે આવ્યા, તો હત્યા કરાયેલી હાલતમાં બન્નેના મૃતદેહ જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં જ અમરેલી મામલતદાર, DYSP ચિરાગ દેસાઈ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસની વિવિધ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં હત્યા કરાયેલા સ્થળે કોઈ ચીજવસ્તુની લૂંટ થઈ છે કે કેમ, તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પોલીસે તપાસમાં ડોગ સ્કોર્ડની પણ મદદ લીધી છે. ડબલ મર્ડરની ઘટનાની જાણ થતાં ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે પ્રમાણે વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી છે તે ઘટના ખૂબ જ દુઃખદ હોવાનું તેઓએ જણાવ્યુ હતું.