દાહોદ : કાળમુખી ક્રૂઝરે સાયકલ સવાર વૃદ્ધનો ભોગ લીધો,હિટ એન્ડ રનની ભયાનક ઘટના!

દાહોદ શહેરના પરેલ ત્રણ રસ્તા પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક ક્રૂઝર કારના ચાલકે સાયકલ પર જઈ રહેલા 63 વર્ષીય વૃદ્ધને જોરદાર ટક્કર મારી

New Update
  • દાહોદમાં ધ્રુજાવી દેતી ઘટના સર્જાય

  • સાયકલ સવાર વૃદ્ધનો ક્રૂઝર ચાલકે ભોગ લીધો

  • અકસ્માત સર્જી કાર ચાલકે વૃદ્ધને ફંગોળ્યા

  • વૃદ્ધને એક કિ.મી.સુધી ઘસેડતા ઘટનાસ્થળે જ કરુણ મોત

  • પોલીસે ગણતરીના કલાકોમાં કાર ચાલકને દબોચ્યો 

દાહોદ શહેરમાં રસ્તા પર કાળનું કરૂણ નર્તન જોવા મળ્યું છે. પરેલના ત્રણ રસ્તા પાસે એક બેફામ ક્રૂઝર ચાલકે સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લીધા બાદ માનવતા નેવે મૂકી હતી.અકસ્માત સર્જાયા બાદ કાર ચાલકે વૃદ્ધને લાંબે સુધી ઘસેડ્યા હતાજેમાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

દાહોદ શહેરના પરેલ ત્રણ રસ્તા પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક ક્રૂઝર કારના ચાલકે સાયકલ પર જઈ રહેલા 63 વર્ષીય વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે વૃદ્ધ કારની નીચે ફસાઈ ગયા હતા.

આસપાસના લોકોના જણાવ્યા અનુસાર,અકસ્માત પછી ચાલકે બ્રેક મારવાને બદલે કાર ભગાવી હતીજેના કારણે વૃદ્ધ અડધો કિલોમીટર કરતા વધુ અંતર સુધી રસ્તા પર ઘસડાયા હતા. પરેલના કારખાના નજીકથી વૃદ્ધનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

મૃતકની ઓળખ દાહોદ નજીકના વાંદરીયા ગામના ગરાસિયા મોહનભાઈ તરીકે થઈ છે.63 વર્ષની ઉંમરે મોહનભાઈના આકસ્મિક અવસાનથી પરિવારમાં માતમ છવાયો છે અને આક્રંદ જોવા મળી રહ્યો છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ક્રૂઝર કારના ચાલકને ઝડપી પાડ્યો છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Latest Stories