આઝાદીના 76 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત છોટાઉદેપુરનું મોટા અમાદ્રા ગામ, જુઓ શું કહી રહ્યા છે ગ્રામજનો..!

જિલ્લાનું એક ગુમનામ કહી શકાય તેવું ગામ મોટા અમાદ્રા એ પાવીજેતપુર તાલુકામાં તો છે, પણ ના તો કોઈ અધિકારી અહી આવે છે

આઝાદીના 76 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત છોટાઉદેપુરનું મોટા અમાદ્રા ગામ, જુઓ શું કહી રહ્યા છે ગ્રામજનો..!
New Update

છોટાઉદેપુર જિલ્લાનું એક ગુમનામ કહી શકાય તેવું ગામ મોટા અમાદ્રા એ પાવીજેતપુર તાલુકામાં તો છે, પણ ના તો કોઈ અધિકારી અહી આવે છે કે, ન તો અહી કોઈ નેતા આવે છે. આજે આઝાદીના 76 વર્ષ પૂર્ણ થવા છતાં પણ ગામના લોકો ગામના વિકાસ માટે વલખા મારી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાનું એક ગામ કે, જે ગામના લોકો આજે પણ જાણે 18મી સદીમાં જીવતા હોય તેમ લાગી રહ્યું છે. અમાદ્રા ગામ સુધી પહોંચવું હોય તો કદવાલ ગામથી લગભગ 10 કિમી દૂર આવેલા અમાદ્રા ગામથી ખાનગી વાહન દ્વારા જ પહોંચવું પડે છે. અહી બસની કોઈ સુવિધા નથી, લોકોને તો સુવિધાના અભાવે હાલાકી પડી જ રહી છે, સાથો સાથ વિદ્યાર્થીઓને શાળા કે કોલેજ પહોંચવા પણ સંઘર્ષ કરવો પડતો હોય છે. એટલે કહી શકાય કે, બસ વિના વિદ્યાર્થીઓના શિક્ષણ પર સીધી અસર પડી રહી છે. ગામના લોકોનું કહેવું છે કે, આ ગામમાં બસ ત્યારે આવે છે, જ્યારે કોઈ નેતા દ્વારા સાથનિકોને સભા સુધી લઈ જવાના હોય. ચૂંટણીના સમયે જ આ ગામના લોકો ગામના મુખ્ય રસ્તા સુધી આવતી બસને જુએ છે.

જોકે, મોટા અમાદ્રા, નાના અમદ્રા, ઓલિયા કલમ, બોરકંડા આમ 4 ગામની ગ્રામ પંચાયત આવેલ છે. મોટા અમાદ્રા ગામના મુખ્ય રસ્તે પહોચી તો જવાય છે, પરંતુ પગદંડી કહી શકાય તેવા રસ્તેથી જ લોકોને પસાર થવું પડે છે. રસ્તાના અભાવે ખાસ કરીને બિમાર વ્યક્તિ હોઈ કે, પછી પ્રસૂતા મહિલાને જો દવાખાને લઈ જવાનો વારો આવે, ત્યારે ગામના લોકો 108 નહીં પણ ચારપાઈ એટલે કે, ખાટલાના સહારે મુખ્ય રસ્તા સુધી લઈ જાય છે. થોડા જ દિવસ પહેલા આવી જ એક ઘટના સામે આવી હતી કે, જેમાં પ્રસૂતા મહિલાને પીડા ઉપડતા પરિવારજનોએ 1 કિમીથી વધુ કાચા રસ્તે થઈ તેને 108 સુધી પહોંચાડી હતી. આ વિસ્તાર પાવી જેતપુર તાલુકાનો છે, પણ આરોગ્ય સેવાના અભાવે તેને પંચમહાલ જિલ્લાના ઘોગંબા ખાતે લઈ જવાઈ હતી. જોકે, ત્યાં પણ તેને આરોગ્ય સેવાનો લાભ ન મળતા તેને ખાનગી દવાખાને લઇ જવી પડી હતી. ઓપરેશન બાદ બાળકને જન્મ આપ્યો હતો. જોકે, ખાનગી હોસ્પિટલ હોવાથી આ ગરીબ પરિવારે ભારે રકમ ચૂકવવી પડી હતી.

જોકે, જિલ્લા આરોગ્ય અધિકારીનું કહેવું છે કે, નજીક કદવાલ ગામમાં સી.એસ.સી. હોસ્પિટલ આવેલ છે, જ્યા પ્રસૂતા મહિલાઓની ડિલિવરી કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં ડોકટરોની અછત છે. સાથો સાથ એ પણ જણાવ્યું કે, કદવાલ ગામની હોસ્પિટલમાં ગાયનેક ડોકટર નથી. જેથી મહિલાને ખાટલા મા નાખી પંચમહાલના હોસ્પિટલમાં લઇ જવાય હતી. તો બીજી તરફ, આ મહિલાને છોટાઉદેપુર જિલ્લાના કદવાલ હોસ્પિટલમાં લાવવામાં આવી હોત તો એ મહિલાનું શું થાત તે પણ એક સવાલ છે. જોકે, પાવીજેતપુરના ધારાસભ્યએ પણ નજીકમાં જ સી.એસ.સી. સેન્ટર આવેલું હોવાનું રટણ કર્યું હતું. આ સાથે જ રસ્તો કાચો છે, જેના કારણે મહિલાને ખાટલામાં નાખીને લઈ જવામાં આવી હતી. તે કાચા રસ્તાનો સવાલ છે, તે ગ્રામ પંચાયતનો સવાલ છે, તેવું તેમનું કહેવું છે.

તો બીજી તરફ, જે વ્યક્તિ દુનિયાથી વિદાય લે છે, તેને અંતિમ વિદાય આપવા સ્મશાન પહોચાડવા માટે ગ્રામજાનોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. 2 કિમી ચાલીને સ્મશાન સુધી જવા માટે પણ રસ્તો નથી. રસ્તામાં કોતરો આવે છે, ત્યારે ચોમાસાના સમયે જો પાણી આવી જાય તો પાણી ઉતરવાની રાહ કલાકો સુધી જોવી પડે છે. જો ભારે વરસાદ હોય ત્યારે મૃતકની તેના ઘર પાસે કે, પછી ખેતરમાં અંતિમક્રિયા કરવી પડે છે. આવો જ કિસ્સો એક માસ પૂર્વે બન્યો હતો, જ્યાં કાચા રસ્તેથી સ્મશાન સુધી જવાય તેમ ન હોય જેથી મૃતકના તેના જ ખેતરમાં અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #villagers #development #lack of facilities #Chotaudepur #Amadra village
Here are a few more articles:
Read the Next Article