-
નર્મદા જિલ્લાની મુલાકાતે કેન્દ્રીય વિદેશ મંત્રી
-
ડો.એસ જયશંકરે વિવિધ પ્રકલ્પો માટે ફાળવી ગ્રાન્ટ
-
નર્મદા જિલ્લાને 11.66 કરોડના વિકાસ કાર્યોની મળી ભેટ
-
શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયની કરી મુલાકાત
-
જિમ્નેશિયમ હોલ અને વ્યાયામના અદ્યતન સાધનોનું કર્યું લોકાર્પણ
ભારત સરકારના વિદેશ મંત્રી ડો.એસ. જયશંકરે રાજપીપળાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયની મુલાકાત લીધી હતી,અને તેઓની મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલોપમેન્ટ સ્કીમની ગ્રાન્ટમાંથી એક્સપાન્શન પામેલા જિમ્નેશિયમ હોલ અને વ્યાયામના અદ્યતન સાધનોનું લોકાર્પણ કર્યું હતું.
ભારત સરકારના વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર નર્મદા જિલ્લાની બે દિવસસીય મુલાકાતે પધાર્યા છે,આ અવસરે વિદેશ મંત્રીએ રાજપીપળાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે તેઓની ગ્રાન્ટમાંથી રૂપિયા 2.50 કરોડના ખર્ચે એક્સપાન્શન પામેલા જિમ્નેશિયમ હોલ અને વ્યાયામના અદ્યતન સાધનોનું લોકાર્પણ કર્યું હતું.
તેમજ જિમ્નેશિયમમાં તાલીમ મેળવી નેશનલ કક્ષાની ટ્રેમ્પોલિન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવનાર સિલિમકર મયંક અને દેવીન વસાવાની સિદ્ધિ જાણીને બંને રમતવીરોને વધુ આગળ વધવાની શુભેચ્છા પાઠવી અહીં પોતાની ગ્રાન્ટમાંથી થયેલા કામનું પરિણામ નજરે નિહાળી વિદેશમંત્રીએ આનંદની લાગણી અનુભવી હતી.અને તમામ રમતવીરોને શુભકામના પાઠવી વિકસીત ભારત સાથે ફિટ ઈન્ડિયા બને તેવી કામના કરી હતી.
વિદેશમંત્રીએ બાદમાં રાજપીપળાની પોસ્ટ ઓફિસ ખાતે કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં નવા પાસપોર્ટની પ્રક્રિયા માટે સુરતથી એપોઇન્ટમેન્ટ લઈને આવેલા ડો. મિતેશ જયસ્વાલ અને તેમના પરિવાર સાથે સંવાદ કર્યો હતો. બાદમાં સમગ્ર પોસ્ટ ઓફિસની કામગીરી અને આધાર સેવા કેન્દ્રની મુલાકાત કરી નિરિક્ષણ કરી કેન્દ્રીય કર્મીઓ સાથે સમૂહ તસવીર લઈને પ્રોત્સાહિત કર્યા હતા.
વિદેશ મંત્રી ત્યારબાદ તેઓના દત્તક લીધેલા નાંદોદ તાલુકાના લાછરસ ગામે પહોંચ્યા હતા. જ્યાં પ્રાથમિક શાળા ખાતે 4.96 લાખના ખર્ચે તૈયાર થયેલા સ્માર્ટ ક્લાસરૂમની મુલાકાત કરી સ્માર્ટ બોર્ડ પર વિદ્યાર્થીઓ દ્વારા થતી અભ્યાસલક્ષી પ્રવૃત્તિને નિહાળી હતી.
બાદમાં શાળાની નજીકમાં આવેલા શ્રી રામજી મંદિરમાં પહોંચી પૂજા અર્ચના કરી હતી.આ ગામમાં તેઓની ગ્રાન્ટમાંથી રૂપિયા 16 લાખના ખર્ચે નિર્માણ પામેલી સ્માર્ટ આંગણવાડીનું પણ લોકાર્પણ કરી ભૂલકાઓ સાથે હેતથી સંવાદ કરી બિરદાવ્યા હતા.
જ્યારે આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ અભિયાન અંતર્ગત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ પૈકી 6 મહિનાના બાળકને અન્નપ્રાસન કરાવી ઉપરી આહાર આપી તેના નિરોગી સ્વસ્થ ભવિષ્ય માટે બાળકની માતાને શુભકામના પાઠવી હતી. વિદેશ મંત્રીએ લાછરસ ગામે નિર્માણ પામેલા અમૃત સરોવરની પણ મુલાકાત કરી જળસંચયના કાર્યને બિરદાવ્યું હતું.
વિદેશ મંત્રી ડો.એસ જયશંકરે નર્મદા જિલ્લાની બંને દિવસની મુલાકાત દરમિયાન MPLADS અંતર્ગત દત્તક લીધેલા ગામો પૈકી તિલકવાડા તાલુકાના વ્યાધર અને અગર ગામ, ગરૂડેશ્વર તાલુકાના આમદલા અને જેતપુર (વઘ.) ગામ અને નાંદોદ તાલુકાના લાછરસ ગામની મુલાકાત લઈને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, એમ્બ્યુલન્સ, સક્ષમ સ્માર્ટ આંગણવાડી, પ્રાથમિક શાળાનાં સ્માર્ટ ક્લાસરૂમ તથા કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરી જવાહર નવોદય વિદ્યાલય-કેવડિયા કોલોનીના ટ્રાન્સપોર્ટ વ્હીકલ પણ અર્પણ કર્યા હતા.
સાથોસાથ MPLADSની ગ્રાન્ટમાંથી હવે પછી ગરૂડેશ્વરના જેતપુર, તિલકવાડાના અગર, સાગબારાના કોલવણ અને ડેડીયાપાડા તાલુકાના સગાઈ ગામે એમ કુલ ચાર ગામોમાં રૂપિયા 5.40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર એલ.ડી.આર. બિલ્ડિંગનું ભૂમિપૂજન કર્યું હતું. બંને દિવસો દરમિયાન વિદેશ મંત્રીએ તેઓ દ્વારા દત્તક લીધેલા ગામોના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને નાગરિકોના આરોગ્યની સુવિધા માટે કુલ રૂપિયા 11.66 કરોડના વિકાસકામોની ભેટ આપી હતી.
મંત્રીના બીજા દિવસની જિલ્લાની મુલાકાત સમયે વિદેશ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સંદિપ બય્યપ્પુ, ઉચ્ચ અધિકારી રવિ અરોરા, વિનય ભૂસારી, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી, છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જે.કે.જાદવ, જિલ્લાના અગ્રણીઓ, સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.