Connect Gujarat
ગુજરાત

ગીરની શાન ગણાતા કેસર કેરીના બગીચાઓને ખેડૂતો કરી રહ્યા છે “નષ્ટ”, કારણ જાણી ચોંકી ઊઠશો..!

છેલ્લા પાંચેક વર્ષથી ગીર સોમનાથ જીલ્લામાં કેસર કેરીના પાકમાં સતત થઇ રહેલા ઘટાડાને લઈને કેરી પકવતા ખેડૂતો હવે આંબાના વૃક્ષો કાપી અન્ય પાક તરફ વળી રહ્યા છે.

X

છેલ્લા પાંચેક વર્ષથી ગીર સોમનાથ જીલ્લામાં કેસર કેરીના પાકમાં સતત થઇ રહેલા ઘટાડાને લઈને કેરી પકવતા ખેડૂતો હવે આંબાના વૃક્ષો કાપી અન્ય પાક તરફ વળી રહ્યા છે. જેમાં તાલાલા-ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતાજનક રીતે સેંકડો આંબાના વૃક્ષો કપાઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

ગીર સોમનાથ જીલ્લામાં કુલ 15,500 હેક્ટરમાં કેરીના આંબાનું વાવેતર કરવામાં આવ્યું છે. માત્ર તાલાલા-ગીરમાં જ 9,500 હેક્ટરમાં આંબાના વાવેતર સાથે અહીનો વિસ્તાર કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે. જોકે, હવે ગીરનું હીર અને ફળોના રાજા ગણાતી કેસર કેરીના સેંકડો વૃક્ષો પર કરવત ચાલી રહી છે, અને કેસર કેરીના આંબા નષ્ટ થઇ રહ્યા છે. આંબાના વૃક્ષો માત્ર આકોલવાડી ગીર જ નહીં. પરંતુ તાલાલા-ગીરના સુરવા, ઘાવા, હડમતીયા સહીતના ગામોમાં પણ કપાઇ રહ્યા છે. કેસર કેરીના આંબાના બગીચાઓ કાપી રહેલા ખેડૂતોનું કહેવું છે કે, છેલ્લા 5 વર્ષથી કેરીના પાકમાં ઉત્પાદન ઘટી રહ્યું છે. ગ્લોબલ વોર્મીંગની અસર અને કમોસમી માવઠાના મારથી કેરી પકવતા બાગાયતી ખેડૂતો દિન પ્રતિદિન નુકશાનીના ખપ્પરમાં હોમાય રહ્યા છે. આંકોલવાડી ગીર ગામે 20 વીઘાના આંબાના બગીચામાં 300થી વઘુ આંબાના વૃક્ષોનું કટીંગ કરી રહેલા ખેડૂતે જણાવ્યુ હતું કે, બાળકની જેમ ઉછેર કરેલા આંબાના વૃક્ષો પર કરવત ચલાવવા અમારું પણ કાળજું કંપે છે. પરંતુ નાછુટકે આમ કરવું પડી રહ્યું છે. છેલ્લા 5 વર્ષથી આંબાના બગીચાઓમાં ખર્ચ સામે નુકશાની વેઠવી પડી રહી છે. માટે અહીના ખેડૂતો આંબાના વૃક્ષો કાપી અન્ય પાક તરફ વળી રહ્યા છે.

તો બીજી તરફ, ભારતીય કીસાન સંઘના ગીર સોમનાથ જીલ્લાના મહામંત્રી રાજેશ પાનેલીયાએ જણાવ્યુ હતું કે, તાલાલા-ગીરના આંકોલવાડી ઉપરાંત મોરૂકા, ઘાવા, માઘુપુર, સુરવા સહીતના અનેક ગામોમાં આંબાના બગીચાઓ કપાઇ રહ્યા છે, અને તેનું મૂળ કારણ ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીનું ઉત્પાદન દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. કેસર કેરીના બગાયતી પાકોને પાક વિમા હેઠળ આવરી લેવા છેલ્લા એક દાયકાથી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી રહી છે. પરંતુ કયા કારણોસર સરકાર દ્વારા આ દીશામાં નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જો કેસર કેરીના પાકને પાક વિમાનું રક્ષણ મળે તો ખેડૂતોને કુદરતી આફત સમયે ટેકો મળી રહે તેમ છે. તો બીજી તરફ કેસર કેરીના સંવર્ઘન માટે સરકાર દ્વારા રૂ. 4 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ એક્સેલન્સ સેન્ટર ફોર મેંગોના બગાયત અઘિકારી વી.એન.બારડ કેસર કેરીના બગીચાઓ કપાઇ રહ્યા છે, તે વાતથી જાણે અજાણ હોવાનું જણાવી રહ્યા છે.

Next Story