/connect-gujarat/media/media_files/2025/02/11/PNFZmn36jz18KtEg1rLJ.png)
ભાવનગર શહેરના સીદસર રોડ સ્થિત OAJ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોબાઇલ પર વાતચીત કરવા જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થિનીના પિતાએ 18 વર્ષીય વિદ્યાર્થી પર શિક્ષકોની હાજરીમાં છરીથી હુમલો કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, ભાવનગરના મહુવાના વીટીનગર રોડ ખાતેની સોસાયટીમાં રહેતો એક 18 વર્ષીય વિદ્યાર્થી OAJ ઇન્સ્ટિટ્યૂટમાં રી-નીટની તૈયારી કરવા સાથે હોસ્ટેલમાં રહેતો હતો. જેની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે મોબાઇલ પર વાતચીત કરતો હતો.
આ વાતની જાણ વિદ્યાર્થીનીના પિતાને થતાં તેમણે વિદ્યાર્થીના પિતાને ફોન કરી ઇન્સ્ટિટ્યૂટમાં મળવા બોલાવ્યા હતા. શિક્ષકોની હાજરીમાં વિદ્યાર્થીને બાજુમાં બેસાડી પૂછપરછ કરી રહ્યા હતા, અને શિક્ષકો બંને પક્ષને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ઉશ્કેરાયેલા વિદ્યાર્થિનીના પિતાએ વિદ્યાર્થી પર છરીથી ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
તો બીજી તરફ, ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ નાજુક છે, અને તે બેભાન અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ થતાં વિદ્યાર્થીના પિતા ભાવનગર દોડી આવ્યા હતા, અને વરતેજ પોલીસ મથકે હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હાલ તો પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.