બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પહેલા તંત્ર દ્વારા ફાયર ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જેમાં 2 દિવસમાં 11થી વધુ હોટલો અને ધર્મશાળાને સીલ કરવામાં આવતા હોટલ સંચાલકો અને ધર્મશાળાના માલિકોમાં ફફડાટ ફેલાયો છે.
બનાસકાંઠામાં આવેલું અંબાજી એટલે કે, માઁ અંબાનું ધામ ગુજરાતનું નહીં પણ દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે, ત્યારે અંબાજી ખાતે 200 કરતાં વધુ હોટલો અને ગેસ્ટ હાઉસો-ધર્મશાળાઓ આવેલી છે. જેમાં મોટાભાગની હોટલ ગેસ્ટ હાઉસ ધર્મશાળામાં ફાયર સેફટી ન હોવાથી રાજકોટ ખાતે થોડા મહિના અગાઉ બનેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભરમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.
જેમાં અંબાજી ખાતે 100 કરતાં વધુ હોટલો ધર્મશાળાઓને નોટિસ પાઠવવામાં આવી હતી. જે સંદર્ભે ફાયર વિભાગ દ્વારા NOC સ્થળ ઉપર જઈને ચેક કરવામાં આવી હતી. જેને લઈને અંબાજીના હોટલ માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે, 2 દિવસમાં જ 11થી વધુ હોટલો અને ધર્મશાળાઓ સીલ કરાઈ છે.
અંબાજીમાં ફાયર વિભાગ દ્વારા અંબાજી પોલીસને સાથે લઈને અંબાજીના અલગ અલગ માર્ગો પર આવેલી હોટલો ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસમાં પાલનપુરથી આવેલા ફાયર ઓફિસર દ્વારા ચેકિંગ હાથધરીને જે હોટલો ધર્મશાળાઓએ NOC માટે અપ્લાય ન કર્યું હોય અને રકમ ન ભરી હોય તેવા એકમોને સીલ કરવામાં આવ્યા હતા.
અંબાજીની અંબેવેલી હોટલ, ચરોતર સરદાર પટેલ ધર્મશાળા, ચૌધરી ધર્મશાળા, ભગવતી પાર્ટી પ્લોટ, શ્રી હોટલ અને પ્રજાપતિ ધર્મશાળાને સીલ કરવામાં આવી હતી. હજુ આ ફાયર વિભાગની ડ્રાઇવ અંબાજીની કોમર્શિયલ હોટલો ધર્મશાળા ગેસ્ટ હાઉસમાં ચાલુ છે.