2 દિવસ પહેલા યોજાયેલી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની ચૂંટણીની ગતરોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે સહકારી ક્ષેત્રે ભાજપે પહેલી વખત પોતાના ઉમેદવારો સાથે મેદાનમાં ઝંપલાવતા ભાજપે સત્તા મેળવી લીધી છે.
ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની 2 દિવસ પહેલા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 21 બોર્ડ ઓફ ડિરેક્ટર માટેની ચૂંટણીમાં 4 બેઠકો બિનહરીફ આવી હતી, જ્યારે ફક્ત 17 બેઠકો માટે ચૂંટણી યોજાય હતી, ત્યારે 32 સભાસદોમાંથી 99 ટકા જેટલું મતદાન થયું હતું. ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી ક્ષેત્રે વાત કરવામાં આવે તો, ભાજપે પહેલી વખત પોતાના ઉમેદવારો સાથે મેદાનમાં ઝંપલાવ્યું હતું.
ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની ચૂંટણીનું પરિણામ આવતા 21 બેઠકોમાંથી 13 બેઠકો પર ભાજપે ભગવો લહેરાવ્યો છે. વાર્ષિક 40 કરોડ રૂપિયાનો નફો કરતી આ બેન્કમાં હવે ભાજપની બોડી કામ કરશે, ત્યારે ખેડા આણંદ અને મહિસાગર જિલ્લામાં થઈ 84 જેટલી શાખાઓમાં સહકારી ક્ષેત્રે ભાજપનો દબદબો જોવા મળશે. તો બીજી તરફ છેલ્લા 22 વર્ષથી ચેરમેન પદ સંભાળનારા ધીરુ ચાવડાએ ભાજપ સામ-દામ-દંડ-ભેદ વાપરી આ ચૂંટણી જીતી છે, તો આશા રાખીએ કે, ભાજપ આવનારા દિવસોમાં સારું શાસન કરે સાથે સાથે ખેડૂતોનું પણ ધ્યાન રાખે તેવું જણાવ્યું હતું.