Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : કાપડ વેપારીઓના રાજ્ય બહાર અટવાયા છે કરોડો રૂપિયા, ગૃહમંત્રીએ યોજી બેઠક

રાજ્ય વેપારી મહામંડળની ગૃહમંત્રી સાથે મુલાકાત, અટવાયેલા કરોડો રૂપિયા પાછા લાવવા રજૂઆત.

X

કોરોના કાળ બાદ અમદાવાદના કાપડ વેપારીઓના રાજ્યની બહાર કરોડો રૂપિયા અટવાયા છે. જેના કારણે રૂપિયા પાછા ન આવતા અનેક વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે ગાંધીનગર રાજ્ય વેપારી મહામંડળ દ્વારા રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક યોજવામાં આવી હતી. જોકે, રાજ્ય સરકાર તરફથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે કાપડ વેપારીઓને હૈયાધારણા આપવામાં આવી હતી.

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ગુજરાત વેપારી મહામંડળે બેઠક કરી હતી. જેમાં કોરોના કાળ દરમ્યાન રાજ્યના કાપડ વેપારીઓના રાજ્ય બહાર અટવાયેલા પૈસા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે SITની રચના કરવામાં આવી છે. તેના આધારે રાજ્યના વેપારીઓના અટવાયેલા કરોડો રૂપિયા પરત લાવવામાં આવશે તેવી હૈયા ધારણા આપવામાં આવી હતી.

આ ઉપરાંત નેગોશિયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ચેક પરત થવાના કારણે હાઈકોર્ટની પરામર્શ હેઠળ જલ્દી નિરાકરણ લાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત વેપાર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિને બ્લેકમેલ કે, ખંડણી માંગનારા તત્વો ધ્યાનમાં આવે તો પોલીસ કમિશ્નરને જાણ કરવામાં આવે તેમ જણાવાયું છે. અત્યાર સુધી કુલ 342 જેટલી અરજીઓ મળી છે. જેમાંથી 52 જેટલી અરજીનો નિકાલ લાવવામાં આવ્યો છે.

Next Story