રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજવા માટે મક્કમ છે. એટ રિસ્ક કન્ટ્રીઝના ડેલિગેટ્સ સમિટમાં ભાગ લઈ શકે એ માટે 7 દિવસ ક્વોરેન્ટાઇન રહેવાના નિયમોમાં છૂટછાટ માટે કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે ગુરુવારે ગુજરાત સહિત 8 રાજ્યોને પત્ર લખીને કોરોનાની સ્થિતિને પગલે તાકીદે પગલાં ભરવાની સૂચના આપી હતી. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ગુજરાત, દિલ્હી, હરિયાણા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક તથા ઝારખંડને ટેસ્ટિંગ તથા રસીકરણમાં વધારો કરવા સહિતના પગલાં ભરવા સૂચના આપી હતી.દરમિયાન કોરોનાની વર્તમાન સ્થિતિની વાઇબ્રન્ટ સમિટ પર શું અસર પડશે એવા સવાલના જવાબમાં આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યના વિકાસ માટે રોકાણ જરૂરી હોવાથી આયોજનમાં પૂરતી કાળજી રાખવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સામાજિક અને ધાર્મિક મેળાવડાં થતાં હતાં, જાનૈયાઓ વરઘોડામાં મહાલતા હતાં એટલે પીક પર સ્થિતિ જઇ રહી છે.લગ્ન સમારોહોમાં 400 લોકોની મર્યાદા છે તો શું તેનું પાલન વાઇબ્રન્ટ સમિટમાં થશે કે કેમ એવા સવાલના જવાબમાં આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે સમિટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરતું પાલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઓમિક્રોનના પગલે કેન્દ્ર સરકારે ગાઇડલાઇનમાં ફેરફાર કરીને એટ રીસ્ક દેશોમાંથી આવતા લોકો માટે 7 દિવસ ક્વોરેન્ટાઇન રહેવાનો નિયમ કર્યો હતો