પૂર્વ PM સ્વ.અટલબિહારીની 100મી જન્મજયંતિ
ગુજરાત સરકાર દ્વારા સુશાસન સપ્તાહ’ની ઉજવણી
રાજ્ય સરકારનો ‘અટલ નેતૃત્વ, અવિરત વિકાસ’નો મંત્ર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉજવણી
ગુજરાત આજે દેશનું ‘સ્ટાર્ટઅપ હબ’ બનીને ઉભરી રહ્યું છે
ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ નિમિત્તે, ગુજરાત સરકાર ‘અટલ નેતૃત્વ, અવિરત વિકાસ’ના મંત્ર સાથે ‘સુશાસન સપ્તાહ’ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે દેશનું ‘સ્ટાર્ટઅપ હબ’ બનીને ઉભર્યું છે.SSIP નીતિ અને i-Hub જેવા સશક્ત માધ્યમો દ્વારા યુવાનોના મૌલિક વિચારોને વૈશ્વિક ઓળખ મળી રહી છે.અત્યાર સુધીમાં હજારો ઇનોવેશન્સને પ્રોટોટાઇપ ફંડિંગ અને પેટન્ટ ફાઇલિંગ માટે કરોડો રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.
રાજ્યની ‘SSIP 2.0’ નીતિ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની છે. રૂપિયા 300 કરોડના બજેટ સાથે આ નીતિ 50 લાખ વિદ્યાર્થીઓને આવરી લેવાના લક્ષ્ય સાથે કાર્યરત છે. i-Hub ગુજરાત આ અભિયાનના કેન્દ્રબિંદુ તરીકે વિદ્યાર્થીઓને વિચારથી લઈને બજાર સુધીની સફરમાં ‘સિંગલ-વિન્ડો સપોર્ટ’ પૂરો પાડે છે.
અમદાવાદ સ્થિત અત્યાધુનિક i-Hub કેમ્પસ આજે 500થી વધુ સ્ટાર્ટઅપ્સને આશરો આપી રહ્યું છે. મનન બટેરીવાલા જેવા યુવા સાહસિકો અહીંથી માર્ગદર્શન મેળવી આજે અનેક લોકોને રોજગારી આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, i-Hub દ્વારા સહાયિત 620થી વધુ સ્ટાર્ટઅપ્સની બજાર કિંમત આજે રૂપિયા 3,500 કરોડથી વધુ અંકાય છે.
ઇનોવેશનની આ લહેર હવે વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા જેવા શહેરો સુધી વિસ્તરી રહી છે. સાથે જ, 'WE start' જેવી વિશેષ પહેલ દ્વારા મહિલા સાહસિકોને પ્રોત્સાહન આપીને ગુજરાત ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યું છે.