વાવાઝોડાના પગલે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળી સમીક્ષા બેઠક
47 હજારથી વધુ લોકોનું સલામત સ્થળે કરવામાં આવ્યું સ્થળાંતર
અસરગ્રસ્ત જિલ્લામાં NDRFની 18 અને SDRFની 12 ટીમ તહેનાત
ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ‘બિપરજોય‘ વાવાઝોડાના સંભવિત સંકટ સામે કરાયેલી રાહત અને બચાવ કામગીરીની ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સમીક્ષા કરી હતી.
ગાંધીનગર ખાતે આયોજીત બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બિપરજોય‘ વાવાઝોડાના પરિણામે સંભવિત પરિસ્થિત સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલ આયોજનની વિગતો મેળવી અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વાત કરીએ તો રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધી કુલ 47 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. વિગતવાર વાત કરીએ તો જુનાગઢ જિલ્લામાં ૪૪૬૨, કચ્છમાં ૧૭,૭૩૯, જામનગરમાં ૮૫૪૨, પોરબંદરમાં ૩૪૬૯, દેવભૂમિ દ્વારકામાં ૪૮૬૩, ગીર સોમનાથમાં ૧૬૦૫, મોરબીમાં ૧૯૩૬ અને રાજકોટમાં ૪૪૯૭ મળી કુલ ૪૭,૧૧૩ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે સંભવિત વાવાઝોડાની અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 18 અને SDRFની 12 ટીમ તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત કોમ્યુનિકેશન સિસ્ટમ ખોરવાય તો સેટેલાઇટ ફોન્સ, હેમ રેડીયોની સેવાઓ પણ લેવાશે તથા સંભવિત બચાવ કાર્ય માટે જરૂરી તમામ સહાય તાત્કાલિક પૂરી પાડવા રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે.