ગાંધીનગર : 18 આલમના લોકો દ્વારા યોજાતો રાજ્યનો એકમાત્ર રૂપાલનો પલ્લી મેળો, જ્યાં ગામમાં વહે છે ઘીની નદીઓ...

વિશ્વપ્રસિદ્ધ રૂપાલના વરદાયિની માતાનો પલ્લી મેળો સદીઓની પરંપરા મુજબ રૂપાલમાં નીકળી પલ્લી યાત્રા

New Update
ગાંધીનગર : 18 આલમના લોકો દ્વારા યોજાતો રાજ્યનો એકમાત્ર રૂપાલનો પલ્લી મેળો, જ્યાં ગામમાં વહે છે ઘીની નદીઓ...

આસો સુદ નોમના દિવસે ગાંધીનગરના રૂપાલ ગામમાં આનંદ અને ઉત્સાહ સાથે ભવ્ય પલ્લી મેળો યોજાયો હતો. જેમાં શ્રદ્ધાળુઓ દ્વારા વરદાયિની માતાની પલ્લીને લાખો લિટર ઘી ધરાવવામાં આવ્યું હતું, ત્યારે આ અવસરને નિહાળવા માટે દેશભરમાંથી લોકોનો મહાસાગર ઉમટ્યો હતો.

સમૃદ્ધિની વાત કરવાની હોય ત્યારે વર્ષો નહીં સદીઓથી લોકો કહે છે 'અહીં દૂઘ અને ઘીની નદીઓ વહે છે' આ તો કહેવત છે, પરંતુ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આજની નહીં, પણ સદીઓથી ઘીની નદીઓ વહે છે. નવરાત્રિમાં જેટલા ગુજરાતના ગરબા વખાણાય છે, તેટલી જ રૂપાલની પલ્લી પણ પ્રખ્યાત છે. અહી માતાજીની પલ્લી પર લાખો લિટર ઘી ચઢાવાતું હોય, અને તેની નદીઓ ગામની ગલીઓમાં વહેતી હોય તેવા દ્રશ્યો રૂપાલમાં જ જોવા મળે છે. રૂપાલની પલ્લીને જોવા માટે દેશ અને વિદેશમાંથી પણ લોકો આવે છે, ત્યારે આસો સુદ નોમની રાત્રે પણ સદીઓની પરંપરા અનુસાર માતાજીની પલ્લી નીકળી હતી. કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષ દરમિયાન લોકો આવ્યાં ન હતા, ત્યારે આ વર્ષે માતાજીના દર્શન કરવા માટે 8 લાખ જેટલા ભક્તો ઉમટ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ પલ્લી બનાવવા માટે ગામના વાલ્મીકિ ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે. જેમાંથી માતાજીનો પલ્લીરથ ઘડીને તૈયાર કરવામાં આવે છે.

બાદમાં વાળંદભાઈઓ વરખડાના સોટા લાવી રથને ચારેબાજુ બાંધીને કલાત્મક રીતે શણગારે છે. ત્યારબાદ પલ્લીરથને પલ્લીવાળા વાસમાં માતાજીનો ગોખ તથા માની છબી સાથે મુકવામાં આવે છે. તે જગ્યાને અબોટ કરી ગંગાજળ તથા ગાયના છાણ અને ગૌમૂત્રથી પવિત્ર કર્યા બાદ જ પલ્લી મુકવામાં આવે છે. જે બાદ કુંભાર પ્રજાપતિ ભાઈઓ 5 માટીના કૂંડા પલ્લી ઉપર છાંદીને પિંજારો કપાસ પૂરે છે. પંચાલ ભાઈઓ લાકડાના ખીલા આપે છે. માળી ભાઈઓ માતાજીને ફૂલહારથી શણગારે છે, અને આમ માતાજીનો સુંદર પલ્લીરથ તૈયાર કરવામાં આવે છે. માતાજીનો પ્રસાદ પંચોલી બ્રાહ્મણ ભાઈઓ રાંધે છે તથા ખીચડો નૈવેધ ધરાવવાની છાબ વાલ્મીકિ સમાજના ભાઈઓ તૈયાર કરી ચાવડાને ત્યાં આપી આવે છે. આમ ગામમાં વસતા અઢારે અઢાર આલમના લોકો માતાજીની શક્તિ મુજબ સેવા કરે છે.

Latest Stories