ગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામના સરપંચ દ્વારા છેલ્લા 15 વર્ષથી પોતાના ગામમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે 1800થી વધુ જરૂરિયાતમંદ પરીવારોને વિનામુલ્યે ફરસાણ અને મીઠાઇનુ વિતરણ કરી વર્ષો જૂની પરંપરા આજે પણ યથાવત રાખવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં સરપંચની શ્રેષ્ઠ કામગીરીનો ઉત્તમ દાખલો બેસાડે તેવો કિસ્સો ગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામે જોવા મળ્યો છે. સરપંચ એટલે ગામનો રાજા અને રાજા એ જ કહેવાય કે, જે પહેલા પ્રજાનું હીત જુએ, ત્યારે છેલ્લા 15 વર્ષથી સરપંચ તરીકે પોતાની સેવા લોઢવા ગામે આપતા હીરા વાઢેર જે હાલના પણ સરપંચ છે, તેમના દ્વારા અનોખુ સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. તેમના ગામ લોઢવામાં કોઇપણ પરીવાર જન્માષ્ટમીના તહેવારમાં ઉદાસ ન થાય અને તે પણ અન્ય પરીવારની જેમ તહેવાર માણી શકે તે માટે કોઇપણ જાતીના ભેદભાવ વગર ફરસાણ તેમજ મીઠાઇનું વિનામુલ્યે તેઓ દ્વારા વિતરણ કરવામા આવે છે.
તેમ આ વર્ષે પણ છેલ્લા 8 દિવસથી ચોખ્ખુ ઘી અને તેલમાં બનેલા ફાફડી-ગાઠીયા, તીખા ગાઠીયા, ભાવનગરી ગાઠીયા, ચવાણુ, મીઠાઇ સહીતની તમામ વસ્તુઓ બનાવવામાં આવી છે, સાસંદ રાજેશ ચુડાસમા, જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયા, જીલ્લા પંચાયતના સદસ્ય બાબુ પરમાર, સુત્રાપાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામ વાઢેર સહીતના અગ્રણીઓની ઉપસ્થિતમાં અંદાજીત 5 ટન જેટલું ફરસાણ અને મીઠાઇનું વિતરણ કરવા હેતુ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. તો બીજી તરફ, દરેક ગામમાં શ્રીમંત વ્યક્તિઓ દ્વારા તહેવારોમાં આ પ્રકારે સેવાકાર્ય કરવામાં આવે તેવી સરપંચ હીરા વાઢેરે અપીલ કરી હતી.