ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ ફિશરિઝ કોલેજ ખાતે "વ્હેલ શાર્ક દિવસ-2023"ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વ્હેલ શાર્કના સંવર્ધન તેમજ સંરક્ષણ માટે માછીમાર સમુદાયને સાથે રાખી જરૂરી ચિંતન કરવામાં આવ્યું હતું.
"આપણી વ્હાલી, આપણું ગૌરવ" અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ ફિશરિઝ કોલેજ ખાતે "વ્હેલ શાર્ક દિવસ-2023"ની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વન વિભાગ તેમજ સહયોગી સંસ્થાઓએ ગુજરાત રાજ્યના દરિયા કિનારે વસતા માછીમાર સમુદાય સાથે મળીને 1600 કિ.મી. લાંબા દરિયા કિનારે વ્હેલ શાર્કના સંરક્ષણ માટે ઘણી ઉત્તમ કામગીરી કરી છે. વ્હેલ શાર્ક માછલીને વન વિભાગના નિયમો હેઠળ રક્ષણ પણ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ફિશરીઝ કોલેજ ખાતે ચોક્સી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 'સેવ ધ વ્હેલ શાર્ક' નાટકની પ્રસ્તુતી કરી સરકારની દરિયાઈ પ્રવૃત્તિઓને સંલગ્ન વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ તકે, વિવિધ તજજ્ઞોએ ટેક્નોલોજીના માધ્યમથી તેમજ વિવિધ ઉપકરણોના ઉપયોગથી વ્હેલ શાર્ક માછલીને કેવી રીતે બચાવી શકાય, તે અંગે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તો બીજી તરફ, વ્હેલ શાર્ક દિવસની ઉજવણી પ્રસંગે માછીમાર સમુદાય દ્વારા એક ગંભીર ચિંતાનો વિષય રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં માછીમાર સમુદાયના પ્રમુખ તુલસી ગોહેલે જણાવ્યું હતું કે, વ્હેલ શાર્કની સ્થાનીક માછીમારો ખૂબ જ ચિંતા કરે છે, ત્યારે છેલ્લા થોડા સમયથી તામિલનાડુ સહિત પરપ્રાંતીય માછીમારો સૌરાષ્ટ્રના સમુદ્રમાં ડોલ્ફીન માછલીનો મોટા પ્રમાણમાં શિકાર કરી રહ્યા છે, જેને અટકાવવા સરકાર અને તંત્રએ નક્કર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છેકે, વ્હેલ શાર્ક વિશ્વની સૌથી મોટી માછલી છે. જેનું આયુષ્ય 70થી 100 વર્ષનું હોય છે. જે પોરબંદર-દ્વારકાથી માંગરોળ, સોમનાથ અને સુત્રાપાડાના દરિયામાં પ્રતિ વર્ષ ઓક્ટોબરથી માર્ચ મહિનામાં નિયમિત રીતે ખોરાક મેળવવા અને બચ્ચાઓને જન્મ આપવા આવતી હોય છે. સરકારે આ પ્રજાતિને કાયદાકિય સંરક્ષણ આપ્યું છે, અને વિવિધ કાર્યક્રમોના માધ્યમથી લોકોમાં વધુને વધુ જાગૃતિ આવે તેવા સઘન પ્રયત્નો થઈ રહ્યા છે.