ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના પ્રાસલી યાર્ડમાં ગીર પંથકમાંથી મગફળીની મબલખ આવક થઇ રહી છે. મગફળીનો સારો ભાવ મળતાં ખેડુતોના ચહેરા ઉપર પણ સ્મિત જોવા મળી રહયું છે.....
ગીર- સોમનાથ સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે વાવણી કરવામાં આવી હતી. ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જોકે ત્યારબાદ લાંબા સમય ના વિરામ બાદ સમગ્ર રાજયમાં સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાએ હેત વરસાવતા ખેડૂતો માટે સોના રૂપી વરસાદ વરસ્યો હતો અને ખેડૂતો નો મહામૂલી પાક બચી ગયો. ઓકટોબરના અંતભાગમાં ગીર સોમનાથ જિલ્લામાં આગોતરા વાવેલી મગફળીની મોટા પ્રમાણમાં આવક માર્કેટયાર્ડમાં થતી હોય છે.
સામાન્ય રીતે નવા પાકની આવક થતા બજાર ભાવમાં ઘટાડો થતો હોય છે પરંતુ ચાલુ વર્ષે ગીરના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. કારણ કે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતા પ્રાસલી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને મગફળીના સારા એવા ભાવ મળી રહ્યા છે. ખેડૂતોને સારા ભાવ મળતા યાર્ડના સત્તાધીશો પણ ખુશ છે. ખેડૂતોના મતે યાર્ડમાં યોગ્ય ભાવ મળતા હોય તો ટેકાના ભાવે શા માટે મગફળી કે અન્ય ઉત્પાદન આપવા જવું. વળી ટેકાના ભાવમાં રૂપિયા મોડા આવે છે અને યાર્ડમાં બે દિવસમાં રૂપિયા મળી જાય છે.