ગીર સોમનાથના વેરાવળ,કોડીનાર સહિતના શહેરોમાં ગણેશજીની 100 થી વધુ મોટી મૂર્તિ અને 400 જેટલી નાની મૂર્તિની વિવિધ જગ્યાએ ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આજે કોડીનાર,વેરાવળ સહિતના શહેરોમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતુ
સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિવિધ શહેરોમાં અનેક જગ્યાએ સ્થાપિત ગણપતિજીનું આજે સામુહિક રંગે ચંગે વિસર્જન યોજવામાં આવ્યું હતું. તો કોડીનારના તમામ ગણપતિજી જંગલેશ્વર મંદિરે એકઠા થયા હતા.ઢોલ,શરણાઈ બેન્ડ પાર્ટી અને ડીજેના તાલે વિશાળ શોભાયાત્રા જંગલેશ્વર મહાદેવના મંદિરેથી નીકળી હતી.જે કોડીનાર શહેરના રાજમાર્ગો પર ફરીને પાણી દરવાજે પહોંચી હતી.અબીલ-ગુલાલની છોળો ઉડી હતી.નાના ગણેશજીનું કોડીનારની શીંગવડા નદીમાં તો મોટા ગણેશજીનું મૂળ દ્વારકા ખાતે સમુદ્રમાં વિસર્જન થયું હતું.કોડીનારમાં યોજાયેલા ગણેશ વિસર્જનમાં 10 થી12 હજાર જેટલા લોકો જોડાયા હતા.તો ધાર્મિક એકતાના પણ અહીં દર્શન થયા હતા.કોડીનાર પોલીસ દ્વારા ચુસ્ત અને સંયમિત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.