રાજયમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને તલાલા પંથકમાં ખેતીને વ્યાપક નુકશાન થયું હોવાનું સામે આવી રહયું છે. હવામાન વિભાગે રાજયમાં કમોસમી વરસાદથી આગાહી કરી હતી ત્યારથી જ ખેડુતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી હતી. હવામાન વિભાગની આગાહી સાચી પડી હોય તેમ રાજયમાં અનરાધાર વરસાદ તુટી પડયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં અનેક વિસ્તારોમાં ચોમાસાની જેમ બારે મેઘ ખાંગા થતાં રસ્તાઓ અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં.
ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ગીર જિલ્લામાં મોડો વરસાદ થતાં ખેડૂતોને મગફળીની વાવણી મોડી શરૂ કરવાની ફરજ પડી હતી. વાવણી મોડી થતાં મગફળીનું ઉત્પાદન ઘટયું છે તેવામાં ભર શિયાળે કમોસમી વરસાદ વરસતાં તાલાળા, વેરાવળ અને ગીર ગઢડા ના અનેક ગામોના ખેડૂતોની હાલત દયનીય બની છે.