Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : ભજન, ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ બન્યું ગોલોકધામ, શ્રદ્ધાળુઓની સુવિધાઓમાં કરાયો વધારો...

ગોલોકધામ તીર્થનો અચૂક લાભ લઈ શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના સતત માર્ગદર્શનમાં ટ્રસ્ટ દ્વારા આયોજનબદ્ધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે

X

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે, જે તીર્થ ક્ષેત્રમાંથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની માનવ લીલાને વિરામ આપ્યો અને વૈકુંઠ ગયા તેવા પ્રભાસ તીર્થ ગોલોકધામમાં આવનાર તમામ ભક્તો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીલક્ષી સુવિધાઓમાં સતત વૃદ્ધિ કરવામાં આવી રહી છે.

સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભક્તો ગોલોકધામ તીર્થનો અચૂક લાભ લઈ શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના સતત માર્ગદર્શનમાં ટ્રસ્ટ દ્વારા આયોજનબદ્ધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે, ત્યારે સોમનાથ મંદિરથી ગોલોકધામ તીર્થ સુધી પ્રત્યેક કલાકે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી આવનાર ભક્તો સરળતાથી ગોલોકધામ પહોંચી શકે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમારના હસ્તે સોમનાથ મંદિર બહારથી કેસરી ધ્વજ ફરકાવીને બસ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગોલોકધામ તીર્થ ખાતે યાત્રી કેન્દ્રીય સુવિધાઓમાં વધારો કરીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા તીર્થધામને ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ બનાવવામાં આવ્યું છે, ત્યારે અહી આવનાર શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણની ચરણ પાદુકાનું પૂજન અને અભિષેક કરી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પૂજામાં માત્ર 21 રૂપિયા ન્યોછાવર કરીને ભક્તો વેદોક્ત વિધિ વિધાનથી શ્રીકૃષ્ણ ભગવાનની ચરણ પાદુકાનું પૂજન કરી શકે છે. આ ઉપરાંત તેમને ઠાકોરજીને પ્રિય ઢોરની પ્રસાદી પણ આપવામાં આવે છે. ભગવાન શ્રી વિષ્ણુના 24 અવતાર વિશે આવનાર ભક્તો જ્ઞાન અને માહિતી મેળવી શકે તેના માટે પ્રાચીન લક્ષ્મીનારાયણ મંદિર ખાતે 24 અવતાર ગેલેરી તૈયાર કરાય છે. મંદિરની ઉપરની તરફ સમગ્ર આકાશ ગંગા લગાવીને આકાશગંગા અને તેના ગ્રહો વિશે માહિતી મેળવી શકાય તે રીતે આકાશ ગંગા ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિયમિત યોજવામાં આવી રહ્યા છે. શ્રીનાથજીની ઝાંખી, ભક્તિમય રાસોત્સવ સહિતના કાર્યક્રમમાં મોટી માત્રામાં ભાવિકો લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત આગામી દિવસોમાં પણ દરેક શનિ-રવિમાં ધાર્મિક આખ્યાન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Next Story