સોમનાથ જિલ્લામાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત નારી ગૌરવ દિવસની રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષ આપણી સરકારના સૈાના સાથથી સૈાના વિકાસની અંતર્ગત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે જિલ્લાકક્ષાના નારી ગૈારવ દિવસની ઉજવણી સોમનાથ ખાતે રામમંદીર ઓડીટોરીયમા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત રૂપિયા 3.07 કરોડની વગર વ્યાજની લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મંત્રીના હસ્તે વેરાવળ તાલુકાના-૫ અને સુત્રાપાડા તાલુકાના-૫ આંગણવાડી ઓરડાનું ઇ-લોકાર્પણ કર્યું હતું. તેમજ મંત્રી અને મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ સ્વસહાય જુથની બહેનોને લોન સહાય ચેકનુ વિતરણ કરવામાં આવેલ હતું. જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં 265 અને શહેરી વિસ્તારમાં 42 સ્વસહાય જુથને મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજનાનો લાભ મળશે.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમાર, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલ, પુરવઠા અધિકારી સુશીલ પરમાર, ચીફ ઓફીસર જતીન મહેતા, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પીયુશ ફોફંડી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.જે.ખાચર અને નગરપાલિકા-તાલુકા પંચાયતના સભ્યો સહિતના પદાધિકારીઓ તેમજ વહીવટી તંત્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.