ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ સોમનાથમાં 148 આંગણવાડીના મકાનના ભાડા સરકારે 17 માસથી ન ચૂકવતા અંતે મકાન માલિકોએ 15 દિવસની મુદત આપી છે. જો ભાડું નહીં ચૂકવાય તો આંગણવાડીઓને સરકારની બેદરકારીને કારણે તાળા લાગે એવી સ્થિતિ ઉભી થઈ છે.
ગુજરાત સરકાર આમતો મહિલા બાળ વિકાસની અનેક મસમોટી વાતો કરે છે અને અનેક યોજનાઓ લાવે પણ છે પરંતુ બાળ વિકાસ યોજનાની વાતો કરતી આ સરકારની ગીર સોમનાથ જિલ્લામાં પોલ ખુલ્લી પડે છે. કારણ દેશ અને ગુજરાતના ભવિષ્યનું જ્યાંથી ધડતર થાય છે જ્યાં પાયો નખાય છે, તેવી કેટલીક આંગણવાડીઓ બંધ થવાના આરે છે.જે ચાલુ છે તે માત્ર મકાન માલિકના ભરોસે જ ચાલે છે. સત્તર-સત્તર મહિનાથી આ આંગણવાડી માલિકોને ભાડું જ ચૂકવાયું નથી.સરકાર વિવિધ કારણે કરોડો રૂપિયા ખર્ચે છે.તો તેની પાસે મામુલી ગણાતું આંગણવાડીનું ભાડું ચુકવવાની રકમ જ નથી.પહેલા તો આંગણવાડી ભાડે ચલાવવી પડે તે બાબત જ સરકાર માટે શરમજનક ગણાય.વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાં કુલ 166 આંગણવાડીઓ છે જેમાં ભૂલકાઓ અભ્યાસ કરે છે, પરંતુ તેમાંથી ભાડાના મકાનમાં ચાલતી અદાજીત 148 આંગણવાડી નું ભાડું છેલ્લા દોઢેક વર્ષથી ભાડું ચૂકવાયું નથી ત્યારે હવે મકાન માલિકો તો થાક્યા છે. આ સંદર્ભે વાસ્તવિક ચિતાર મેળવવા અભ્યાસ કર્યો અને આ બાબતે જવાદર અધિકારીનો સંપર્ક કરી વિગત મેળવી ત્યારે આંગણવાડી ઓનું ભાડું ચૂકવી શકાયું નથી. તે બાબત અધિકારી સ્વીકારી રહ્યા છે.