ગીરસોમનાથ: રાજકોટ અગ્નિકાંડમાં વેરાવળનું દંપત્તિ હોમાયું, મૃતદેહ વતન આવતા કલ્પાંતના દ્રશ્યો

પોતાનું મેરેજ સર્ટિફિકેટ મેળવવા ગયેલા વિવેકને મેરેજ સર્ટિફિકેટ તો ના મળ્યું પરંતુ પરિવારને પુત્ર નું ડેથ સર્ટિફિકેટ મળ્યુ હતું.

New Update
ગીરસોમનાથ: રાજકોટ અગ્નિકાંડમાં વેરાવળનું દંપત્તિ હોમાયું, મૃતદેહ વતન આવતા કલ્પાંતના દ્રશ્યો

રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સર્જાયેલા ગોઝારા અગ્નિકાંડમાં 28 જિંદગીઓ જીવતી ભુંજાઈ ગઈ હતી અને આ હતભાગીઓમાં વેરાવળના ધોબી યુવક વિવેક અશોકભાઈ દુશારા અને તેના પત્ની ખુશાલી વિવેક દુશારાનો પણ સમાવેશ હતો. ચાર દિવસ બાદ ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ બંને પતિ-પત્નીના મૃતદેહ પરિવારને સોંપવામાં આવતા મોડી રાત્રીના મૃતદેહો વેરાવળ ખાતે લાવવામાં આવ્યા હતા.

આ ઘટનાની કરુણતા તો એવી છે કે મૃતક વિવેકના હજુ બે માસ પૂર્વે જ રાજકોટની ખુશાલી મોડાસીયા સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવનમાં હજુ પા...પા પગલી માંડતા આ નવયુગલ અકાળે અવસાન સાથે કાળનો કોળિયો બની ગયા હતા.મૃતક વિવેકના પરિવારમાં માતા-પિતા અને નાની બેન છે જે આજે કાળો કલ્પાંત કરી રહ્યા છે.

ખુશાલી પોતાના પિયર રાજકોટ ગઈ હતી જેથી તેને તેડવા અને મેરેજ સર્ટિફિકેટ કઢાવવા વિવેક રાજકોટ ગયો હતો અને પત્ની તથા સાળી ટીશા સાથે ગેમઝોનમાં ફરવા ગયો હતો પરંતુ વિધિની વક્રતા કંઈક અલગ જ હતી.પોતાનું મેરેજ સર્ટિફિકેટ મેળવવા ગયેલા વિવેકને મેરેજ સર્ટિફિકેટ તો ના મળ્યું પરંતુ પરિવારને પુત્ર નું ડેથ સર્ટિફિકેટ મળ્યુ હતું.

Latest Stories