ઉત્તર ભારતમાં હિમાલયના પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાને કારણે આગામી થોડા દિવસો સુધી સમગ્ર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કડક્ડતી ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે.
ગુજરાતમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન ફૂંકાવાને પગલે કાતિલ ઠંડીનું જોર યથાવત્ રહ્યું છે. ઠંડા પવનોની અસરથી રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જેમાં 4.2 ડીગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. આ ઉપરાંત ગાંધીનગરમાં 7.3, કેશોદમાં 8.7, ડીસામાં 9.2 અમદાવાદ અને ભુજમાં 9.6, કંડલા એરપોર્ટમાં 9.7, રાજકોટમાં 9.8 તેમજ સુરેન્દ્રનગરમાં 10.0 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના તમામ શહેરોમાં ઠંડીનો પારો 11થી 16 ડીગ્રી વચ્ચે નોંધાતાં ઠંડીનું જોર યથાવત્ રહ્યું હતું. ગુજરાતમાં પણ તમામ વિસ્તારોમાં આગામી થોડા દિવસો શીત લહેરની વકી રહેલી છે. તો સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે. કાતિલ ઠંડીના પ્રવાહો આગામી ત્રણ ચાર દિવસ સુધી યથાવત્ રહી શકે તેમ છે.