Connect Gujarat
ગુજરાત

ગુજરાત સરકાર દ્વારા સુશાસનના 5 વર્ષની વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરાશે : પ્રદિપસિંહ જાડેજા

ગુજરાત સરકાર દ્વારા સુશાસનના 5 વર્ષની વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરાશે : પ્રદિપસિંહ જાડેજા
X

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ સુશાસનના 5 વર્ષની ઉજવણી કરવામાં આવશે. જન ભાગીદારીથી જન ઉપયોગી કાર્યો-સેવાઓને વધુ સઘન બનાવી કોરોનાના સંક્રમણને ધ્યાને રાખી તમામ SOPના પાલન સાથે રાજ્યભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીર્ધદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં અનેક જન ઉપયોગી યોજનાઓનો આરંભ થયો અને રાજયના નાગરિકોને આ યોજનાઓનો લાભ થયો છે. રાજયને મુખ્યમંત્રી રૂપાણીનું નેતૃત્વ મળ્યે આગામી ઓગસ્ટ માસમાં 5 વર્ષ પૂર્ણ થશે, તે નિમિત્તે "5 વર્ષ આપણી સરકારના-સૌના સાથ, સૌના વિકાસ" સૂત્ર અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો થકી રાજયની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વ હેઠળ સુશાસનના 5 વર્ષની જન ભાગીદારીથી જન ઉપયોગી કાર્યો-સેવાઓને વધુ સઘન બનાવાશે. તો સાથે જ વિવિધ ફ્લેગ શીપ યોજનાઓનો વ્યાપ પણ વધારાશે. એટલુ જ નહીં, વર્તમાન કોરોનાના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ કોવિડ પ્રોટોકોલ અને નીતિ નિયમોનું ચુસ્ત પાલન કરીને રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.

રાજ્યભરમાં પણ આ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે આગામી તા. ૧લી ઓગષ્ટ રવિવારના રોજ ''જ્ઞાનશક્તિ દિવસ'' અંતર્ગત શિક્ષણને લગતા કાર્યક્રમોનું આયોજન કરી રાજ્યના શિક્ષણ ક્ષેત્રને વધુ શ્રેષ્ઠ બનાવવાની દિશામાં પ્રયત્નો કરાશે. તે જ રીતે બીજી ઓગષ્ટ સોમવારે સેવા સેતુ કાર્યક્રમોના આયોજન થકી ''સંવેદના દિવસ'' અંતર્ગત વિવિધ જનહિતકારી યોજનાઓના દસ્તાવેજો નાગરિકોને સરળતાથી મળી રહે તે પ્રકારના કાર્યક્રમો કરાશે. તા. ૪થી ઓગષ્ટે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાઓ સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી ''નારી ગૌરવ દિવસ'' નિમિત્તે મહિલાલક્ષી કાર્યક્રમો કરાશે.

તા. ૫મી ઓગસ્ટે રાજય ભરમાં કિસાન સૂર્યોદય યોજના-સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજીને "કિસાન સન્માન દિવસ"ના કાર્યક્રમો કરાશે. રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે રોજગાર મેળાઓ સહિતના વિવિધ કાર્યક્રમો થકી તા. ૬ ઓગસ્ટે "રોજગાર દિવસ"ના અંતર્ગત રોજગારીની તકો અંગેના કાર્યકમો યોજાશે. તા. ૭મી ઓગસ્ટે "વિકાસ દિવસ" અંતર્ગત રાજ્યમાં ચાલી રહેલી અવિરત વિકાસની પ્રક્રિયાને વધુ તીવ્ર ગતિથી આગળ લઇ જવાશે. તા. ૮મી ઓગસ્ટે "શહેરી જન સુખાકારી દિન" અંતર્ગત શહેરી જન સુખાકારીની વ્યવસ્થા વધુ સઘન બનાવાશે. તે જ રીતે તા. ૯મી ઓગસ્ટે "વિશ્વ આદિવાસી દિવસ" નિમિત્તે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં અનેક વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, બોર્ડ-કોર્પોરેશનના ચેરમેન, સંસદસભ્ય, ધારાસભ્ય તથા સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોને સાથે રાખીને આ કાર્યક્રમો નિશ્ચિત કરવામાં આવ્યા છે.

Next Story
Share it