સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવા સહિત રોડ-રસ્તાને મોટું નુકશાન થવા પામ્યું છે, ત્યારે હાલ રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે લોક સુખાકારી માટેની કામગીરી કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતભરમાં વરસેલા ભારે વરસાદના કારણે રોડ-રસ્તાને નુકશાન થયું છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ અતીભારે વરસાદ થવાથી મોવીથી દેડીયાપાડા રોડનું ધોવાણ થયું હતું. તેવામાં નર્મદા જિલ્લા ખાતે માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે કામ કરી બિસ્માર રોડનું સમારકામ કર્યું હતું. હાલ તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે અહીનો માર્ગ ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લામાં અન્ય રસ્તાઓનું સમારકામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે.
છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે કેટલાક મુખ્ય માર્ગો તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો ક્ષતિગ્રસ્ત થયા હતા. તેવામાં ક્ષતિગ્રસ્ત રસ્તાના સમારકામની કામગીરી ઝડપભેર કરવામાં આવી રહી છે. જેમાં ક્ષતિગ્રસ્ત થયેલા 30 જેટલા રસ્તાની કામગીરી પૂર્ણતાના આરે છે. છોટાઉદેપુર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરી અવર-જવર માટે પુન: કાર્યરત કરાયા છે. ભારે વરસાદથી પ્રભાવિત થયેલા વિસ્તારોમાં તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં બાગાયત પાકોમાં થયેલ નુકસાની અંગે ડ્રોનની મદદથી પણ સતત સર્વે કરવામાં આવી રહ્યો છે.
તો બીજી તરફ, સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જુનાગઢ જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે સાફ-સફાઈ અને દવાના છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ મચ્છરોના ઉપદ્રવને પહોચી વળવા માટે માટે પોરા ભક્ષક માછલીઓ પાણીમાં નાખવામાં આવી રહી છે. આ ઉપરાંત જરૂરિયાતમંદોને તંત્ર દ્વારા મચ્છરદાનીનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.