/connect-gujarat/media/post_banners/5d74d7755e444393899fbd119dd06c21815a65f3fa1143a85882d37cb03adef9.jpg)
અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે બેફામ દોડતી આઇ - 20 કાર રોડની સાઇડમાં સુઇ રહેલા શ્રમજીવી પરિવાર પર ફરી વળી હતી. યમદુત બનેલી ત્રાટકેલી કારે ત્રણ સંતાનોની માતાનો ભોગ લીધો છે.
ફીલ્મ અભિનેતા સલમાન ખાને વર્ષ 2002ની સાલમાં પોતાની કારથી ફુટપાથ સુતેલા શ્રમજીવી પરિવારને કચડી નાંખ્યો હતો. સલમાન ખાને કરેલા અકસ્માત બાદ હીટ એન્ડ રન ( Hit and run ) શબ્દ પ્રચલિત બન્યો છે. ખાસ કરીને માલેતુજારો અને તેમના સંતાનો કારની રેસમાં કે દારૂના નશામાં બેફામ રીતે કાર ચલાવીને "આત્મઘાતી બોંબર " બની અન્ય લોકોનો જીવ લઇ લેતાં હોય છે.
ગુજરાત રાજયમાં ટુંકા ગાળામાં હીટ એન્ડ રનના બે કિસ્સાઓ બન્યાં છે. પ્રથમ કિસ્સાની વાત કરવામાં આવે તો 26મી માર્ચ 2021ના રોજ અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયા દારૂની પાર્ટીમાંથી ઘરે પરત ફરી રહયાં હતાં તે વેળા યુનિસર્વિટી રોડ પર તેમની વૈભવી કારે રોડની સાઇડ પર સ્કુટર પર બેઠેલી યુવતીને ટકકર મારી હતી. અતુલ વેકરીયાની કારની ટકકરે ઉર્વશી ચૌધરી નામની યુવતીનું સ્થળ પર જ મોત થયું છે. ઉર્વશી તેના ભાઇ સાથે ફ્રેકી લેવા માટે આવી હતી. તે સ્કુટર પાસે ઉભી હતી અને તેનો ભાઇ ફ્રેંકી લેવા માટે ગયો હતો દરમિ્યાન અતુલ વેકરીયાની કાર ઉર્વશી માટે યમદુત બની ત્રાટકી હતી.
અમદાવાદમાં 24મી ફેબ્રુઆરી 2017ની કાળમુખી રાત્રિએ અમદાવાદના જાણીતા તબીબ ડૉ અમિત શાહના પુત્ર વિસ્મયે 110 કરતાં વધારે સ્પીડથી બીએમડબલ્યુ કાર હંકારીને જજીસ બંગલા રોડ પર બાઇકસવાર રાહુલ અને શિવમને હવામાં ફંગોળ્યાં હતાં. ગંભીર રીતે ઘવાયેલાં રાહુલ અને શિવમે સ્થળ પર જ જીવ ગુમાવી દીધાં હતાં. વિસ્મય શાહના પિતા રાજકીય વગ ધરાવતાં હોવાથી કેસમાં ભીનુ સંકેલવાના અનેક પ્રયાસો થયાં હતાં પણ લાંબી લડતના અંતે કોર્ટે વિસ્મયને પાંચ વર્ષ કેદની સજા ફટકારી છે અને હાલ તે જેલમાં સજા કાપી રહયો છે.
અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આઇ -20 કારના ચાલકે બેફામ રીતે કારને હંકારી રોડની સાઇડ પર આવેલાં શ્રમજીવીઓને કચડી નાંખ્યાં હતાં. જેમાં ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું મોત થયું હતું. અકસ્માતના કલાકો બાદ કારનો ચાલક પર્વ શાહ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પિતા અને પુત્રના ચહેરા પર ત્રણ સંતાનોની મહિલાનું મોત નીપજાવવાનો કોઇ રંજ જોવા મળ્યો ન હતો. ઉલટા તેના પિતા પોતાના છેલબટાઉ પુત્રને છાવરતાં હોય તેમ મિડીયા સમક્ષ નિવેદન આપી રહયાં હતાં. અમદાવાદમાં 10 વાગ્યા પછી કરફયુ હોય છે તો પર્વ અને તેના બે ભાઇ અને મિત્રને લઇને કારમાં કયાં ગયો હતો, શું ચારેય યુવાનોએ નશો કર્યો હતો સહિતના અનેક સવાલોના જવાબો મેળવવાના બાકી છે.
ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં હીટ એન્ડ રન ( hit and run )ના 11 હજાર કરતાં વધારે કેસ નોંધાયાં છે. આ કેસોમાં અત્યાર સુધીમાં પોલીસ હજી સુધી 5,5570 આરોપીઓને પકડી શકી નથી. હીટ એન્ડ રનના કેસની વાત કરવામાં આવે તો સુરતમાં સૌથી વધારે 1,254 અને અમદાવાદમાં 945 લોકોના મૃત્યું થઇ ગયાં છે. સમગ્ર રાજયમાં હીટ એન્ડ રનથી 6,727 લોકો જીવ ગુમાવી ચુકયાં છે. બેફામ રીતે વાહનો હંકારવા, રેસ લગાવવી તથા નશો કરી વાહન ચલાવવાના કારણે હીટ એન્ડ રનના કેસ વધી રહયાં છે. રાજયમાં ઠેર ઠેર હવે સીસીટીવી કેમેરાનું નેટર્વક સ્થાપિત કરી દેવામાં આવ્યું છે ત્યારે પોલીસ આવા માલેતુજારો અને તેમના છેલબટાઉ નબીરાઓ સામે કાયદાનો કરોડો કડકાઇથી વિંઝશે તો જ નિર્દોષ લોકોના જીવ બચાવી શકાશે.