સાબરકાંઠા : ગુજરાતનું "મીની કાશ્મીર" તરીકે ઓળખાતું વિજયનગર આપી શકે છે, કોરોનાને નોતરું..!

વિજયનગર ઓળખાય છે ગુજરાતનું મીની કાશ્મીર તરીકે, સહેલાણીઓ મીની કાશ્મીરની મુલાકાત લેવા ઉમટી પડ્યા.

New Update
સાબરકાંઠા : ગુજરાતનું "મીની કાશ્મીર" તરીકે ઓળખાતું વિજયનગર આપી શકે છે, કોરોનાને નોતરું..!

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ગુજરાતનું મીની કાશ્મીર તરીકે ઓળખાય છે, ત્યારે કોરોનાના કારણે લોકડાઉનમાં છેલ્લા ઘણા સમયથી કંટાળેલા લોકો અહીના મીની કાશ્મીરની મુલાકાત લેવા ઉમટી પડ્યા છે. જોકે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ સાથે એક સમયે લોકો જાણે કોરોનાને નોતરું આપતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાનું વિજયનગર પંથક મીની કાશ્મીર તરીકે ઓળખ પામ્યું છે, ત્યારે પ્રથમ વરસાદ બાદ વિજયનગર પંથક સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. જેની મજા માણવા માટે ગુજરાતભરના સહેલાણીઓ પરિવાર સાથે પોલો ફોરેસ્ટ પહોંચ્યા છે. પરંતુ પોલો ખાતે આવી રહેલા સહેલાણીઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હોય તેમ નજરે ચઢ્યા હતા, ત્યારે આમ જોતાં લોકો હવે કોરોનાની સંભવિત ત્રીજી લહેરના આમંત્રિક બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

આમ તો, સાબરકાંઠા જિલ્લામાં કોરોનાની બન્ને લહેર દરમ્યાન સૌથી ઓછા કેસ વિજયનગરમાં હતા. પરંતુ સરકાર દ્વારા પોલો ફોરેસ્ટને ફરી એકવાર પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાતા પોલો કેમ્પ સાઇટ ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી છે, ત્યારે સ્થાનિકો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે, આગામી સમયમાં અહી પણ કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ શકે છે. એક તરફ કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ સેવાઇ રહી છે, તો બીજી તરફ સરકાર દ્વારા આપવામાં આવેલી કેટલીક છૂટછાટ સંભવિત ત્રીજી લહેર લોકો માટે ઘાતક સાબિત થઈ શકે તેમ છે.

Latest Stories