ભારત ભરનું પ્રથમ એવું કાફે કે જ્યાં પ્લાસ્ટિક લઈને સામે નાસ્તો અથવા ચા મળે તે કાફે રાજ્યપાલના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
જુનાગઢ શહેરની મધ્યમાં સખી મંડળની મહિલાઓને લઈને તંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્ત જૂનાગઢ શહેરને બનાવવા માટે એક પ્લાસ્ટિક કાફે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્લાસ્ટિકની સામે પ્રાકૃતિક ખેતીમાંથી ઉત્પાદન થયેલ શુદ્ધ અને સાત્વિક ચા નાસ્તો લોકોને મળી રહે તેવા શુભ હેતુથી આ કાફે આજે રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે ખુલુ મુકવામાં આવ્યું છે. સમગ્ર કાફેની મુલાકાત રાજ્યપાલ દ્વારા લેવામાં આવી હતી. અને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને લોકોને આ કાફેનું મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું હતું.
પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની ડિઝાઇન યુનિક અને આકર્ષક તો છે જ. સાથે જ અહીં આવનારને પ્રકૃતિથી નજીક આવ્યાનો એક નવો અહેસાસ પણ થશે. અહીં જમવાનું પણ માટીના વાસણોમાં પીરસવામાં આવશે. આ કાફેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને લોકોનું પ્રકૃતિ સાથે અનુસંધાન કેળવાય તેની કાળજી લેવામાં આવી છે. સાથે લોકો પ્રકૃતિ પ્રેમ વિકસે અને પ્લાસ્ટિકનો વપરાશ નહીંવત્ પ્રમાણમાં કરવા પ્રેરાય તેને ધ્યાનમાં રાખીને આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની છતને આકર્ષક બનાવવા માટે તેમાં વાંસની સુંડલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત કાફેની દીવાલો પર પણ આકર્ષક પેઇન્ટિંગ અને ફૂલઝાડને કંડારવામાં આવ્યા છે. ભારત સરકાર પહેલી જુલાઈથી પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાવી રહી છે ત્યારે જુનાગઢ શહેરનો પ્રથમ અને દેશના પ્રથમ આ પ્લાસ્ટિક મુક્ત કાફે થી સરકારની યોજનાને બળ પૂરું પાડશે