દિલ્હી કાર બ્લાસ્ટનો મામલો
દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કરાયું
સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ
ગુજરાતમાં પણ સુરક્ષા એજન્સીઓ સતર્ક
રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં ચેકિંગ
રાજધાની દિલ્હીમાં પુનઃ એકવાર ભયાનક વિસ્ફોટની ઘટના બની હતી.જેમાં કારમાં બ્લાસ્ટ થતા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો,જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા,ઘટના બાદ દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે,ત્યારે ગુજરાતમાં પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા ઠેર ઠેર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયેલા કારમાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ સમગ્ર દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈને સઘન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે.ખાસ કરીને રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.જેને પગલે ગુજરાત રાજ્યભરમાં પણ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈને ઠેર ઠેર ચેકિંગની કાર્યવાહી કરી રહી છે.
સુરતમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સુરત શહેર પોલીસે તાત્કાલિક પગલાં લીધાં છે અને ગઈકાલ રાતથી જ સુરત રેલવે સ્ટેશન સહિત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.રેલવે સ્ટેશન, જે હજારો મુસાફરોની અવરજવરનું મુખ્ય કેન્દ્ર છે ત્યાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે. રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પોલીસકાફલા સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
મુસાફરોની બેગ, સામાન અને તેમના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેશનના પાર્કિંગ એરિયામાં તેમજ પ્રવેશદ્વાર પર ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દરેક શંકાસ્પદ વાહન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓની નિગરાની હેઠળ સઘન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તો બીજી તરફ વલસાડ જિલ્લામાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના કડક આદેશ બાદ સમગ્ર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને વ્યાપક ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.આ આદેશ અંતર્ગત, વલસાડ જિલ્લાની તમામ હોટલો, લોજ અને ગેસ્ટહાઉસમાં શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ માટે વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જિલ્લા પોલીસે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરીને આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના વિસ્તારોમાં તેમજ આંતરરાજ્યમાંથી આવતા વાહનોની વિગતવાર તપાસ શરૂ કરી છે.
આ ઉપરાંત નવસારીમાં પણ સુરક્ષા એજન્સીઓ સતર્ક બનીને સઘન ચેકિંગની કાર્યવાહીમાં જોડાય છે.પોલીસતંત્ર દ્વારા નવસારી શહેરના પ્રવેશદ્વાર પર પોલીસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ગુજરાતના સરહદી કચ્છ જિલ્લામાં પણ પોલીસ વિભાગ દ્વારા સઘન તપાસ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.કચ્છના પશ્ચિમ અને પૂર્વ વિભાગમાં આવેલા તમામ પોલીસ મથકોના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર વાહનોની તપાસ ચાલી રહી છે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી જાહેર સ્થળો અને મુખ્ય માર્ગો પર રાત્રિ પેટ્રોલિંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે.
કચ્છના પ્રવેશદ્વાર સમા આડેસર પોલીસ ચેકપોસ્ટ પરથી પસાર થતા તમામ વાહનોને રોકીને ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ભુજ સહિત જિલ્લાના દુર્ગમ વિસ્તારોમાં પણ પોલીસની વિવિધ ટીમો નાની-મોટી તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે.
જ્યારે બનાસકાંઠાના વાવ-થરાદમાં પણ પોલીસતંત્ર એલર્ટ થઈ ગયું છે,અને સંવેદનશીલ અમીરગઢ બોર્ડર પર પોલીસ દ્વારા બારીકાઈથી ચેકિંગ વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતના ધાર્મિક સ્થળોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે,જેમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પણ પોલીસ તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.પોલીસે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત સુરક્ષાકર્મીઓ દ્વારા સોમનાથ આવનાર યાત્રીઓનું કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.સોમનાથ સહિત દ્વારકા અને અંબાજી મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં થયેલા કાર બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિર ખાતે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંવેદનશીલ દ્વારકા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે.જગત મંદિરના પરિસરમાં આવતા-જતા દરેક વ્યક્તિનું ફરજિયાત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ, LCB અને SOGની ટીમો દ્વારા શહેરની તમામ હોટલો અને ધર્મશાળાઓમાં તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે.
કોઈ પણ અનિચ્છનીય પ્રવૃત્તિને રોકવા માટે, મરિન પોલીસ અને SOGની ટીમો દ્વારા બંદર અને દરિયાઈ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં પ્રવેશતા લોકો અને તેમની પ્રવૃત્તિઓ પર દ્વારકા પોલીસની બાજ નજર છે.