તાપીના અનોખા ગામમાં માત્ર મહિલાઓનું રાજ
તાપી જિલ્લાનું ચીખલવાવ એક એવું અનોખું ગામ
ચાર વર્ષથી ગામનો સંપૂર્ણ વહીવટ સ્ત્રીઓના હાથમાં
મહિલાઓનું નેતૃત્વ માત્ર શબ્દોમાં નહીં પરંતુ દરેક ક્ષેત્રે
આદિવાસી ગામની દીકરીઓએ અદભુત સમન્વય સાધ્યો
તાપી જિલ્લાનું ચિખલવાવ ગામ આજે ગુજરાતમાં સ્ત્રી શક્તિના સામર્થ્યનું પર્યાય બન્યું છે. ગ્રામ પંચાયતની તમામ બેઠકોથી લઈને શાળા, આરોગ્ય કેન્દ્ર અને વહીવટી તંત્રના મુખ્ય હોદ્દાઓ પર માત્ર મહિલાઓ જ બિરાજમાન છે. પુરુષપ્રધાન માનસિકતાને બાજુએ મૂકીને આ આદિવાસી ગામની દીકરીઓએ વહીવટ અને વિકાસનો અદભુત સમન્વય સાધ્યો છે.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચિખલવાવ ગામમાં સરપંચ સહિત પંચાયતના તમામ 8 સભ્યો મહિલાઓ છે. છેલ્લા ચાર વર્ષથી ગામનો સંપૂર્ણ વહીવટ સ્ત્રીઓના હાથમાં છે. એટલું જ નહીં, ગામની પ્રાથમિક શાળાના આચાર્ય, આંગણવાડી કાર્યકર, આશા વર્કર અને ગ્રામ તલાટી જેવા મહત્વના પદો પર પણ મહિલાઓ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહી છે. સામૂહિક નિર્ણયશક્તિ દ્વારા અહીં સરકારી યોજનાઓનો લાભ છેવાડાના ઘર સુધી પહોંચાડવામાં આવે છે.
આશરે 1700ની વસ્તી ધરાવતા આ ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય હોવા છતાં સાક્ષરતાનો દર ઘણો ઉંચો છે. અહીં દીકરાઓ કરતા દીકરીઓ શિક્ષણમાં મોખરે છે, જે ગામની પ્રગતિશીલ વિચારધારાનું પરિણામ છે. સરપંચ રક્ષાબેન અને આચાર્ય હેતલબેનના નેતૃત્વમાં ગ્રામીણ સ્તરે વહીવટી પારદર્શિતા અને શિસ્તના નવા માપદંડ પ્રસ્થાપિત થયા છે.
સતત બે વાર 'સમરસ ગ્રામ પંચાયત' જાહેર થયેલું ચિખલવાવ આજે મહિલા નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ ગામની સફળતા સાબિત કરે છે કે જો મહિલાઓને તક મળે, તો તેઓ માત્ર ગામ જ નહીં પરંતુ સમગ્ર સમાજનું ભાગ્ય બદલી શકે છે.